માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ દ્વારા સફાઈ, વૃક્ષ દૂર કરવાની અને રોડ સેફ્ટીની કામગીરી પૂર્ણ
પાટણ જિલ્લામાં ચોમાસાની ઋતુ દરમિયાન માર્ગ વ્યવહાર સરળ અને સલામત રહે તે હેતુથી માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ દ્વારા પ્રો-એક્ટિવ પ્રી-મોન્સુન કામગીરી સમયે પૂર્ણ કરાઈ હતી.

વિભાગ હસ્તકના કુલ ૯૫૪.૯૧ કિલોમીટર લંબાઈ ધરાવતા વિવિધ કક્ષાના માર્ગો પર વરસાદી પાણીનો ઝડપી અને સુચારૂ નિકાલ થઈ શકે તે માટે પાઇપ કલ્વર્ટ, બોક્સ કલ્વર્ટ, સ્લેબ ડ્રેઇન તેમજ વિવિધ પુલોની વ્યાપક સાફ-સફાઈ કરવામાં આવી છે. આ કામગીરીના પરિણામે વરસાદી પાણીના ભરાવાની સંભાવના ઘટી છે અને માર્ગોની જાળવણી વધુ અસરકારક બની છે.
વધુમાં ચોમાસા દરમિયાન વરસાદ અને પવનના કારણે માર્ગો પર ધરાશાયી થયેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરી વાહનવ્યવહાર પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી.
આ અંતર્ગત લણવા–મણુંદ–સંડેર–બાલિસણા રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૬/૪૦૦), શિહોરી–પાટણ રોડ (કિ.મી. ૩૮/૦૦ થી ૫૬/૪૦૦) તેમજ લોલાડા–જેસડા–લોટેશ્વર રોડ (કિ.મી. ૦/૦૦ થી ૧૬/૦૦૦) પર માર્ગ અવરોધરૂપ વૃક્ષોને દૂર કરીને વાહનવ્યવહારને સરળ બનાવવામાં આવ્યો હતો
આ ઉપરાંત માર્ગ સુરક્ષાને પ્રાથમિકતા આપતાં સિદ્ધપુર પેટા વિભાગ હસ્તકના રાજ્ય ધોરીમાર્ગો પર રોડ સેફ્ટી સંબંધિત કામગીરી પણ પૂર્ણ કરવામાં આવી છે. જેમાં પાટણ–સિદ્ધપુર રોડ (કિ.મી. ૩૨/૦૦ થી ૬૦/૬૦૦) તથા પાટણ–ડીસા રોડ (કિ.મી. ૧૦૦/૦૦ થી ૧૨૪/૨૦૦) પર બમ્પ પેઇન્ટિંગ, રમ્બલ સ્ટ્રીપ્સ તેમજ જરૂરી રોડ સાઇનેજ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને વધુ સુરક્ષિત અને સુગમ મુસાફરીનો લાભ મળી રહે છે
માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ, પાટણ દ્વારા કરવામાં આવેલી આ પ્રો-એક્ટિવ પ્રી-મોન્સુન કામગીરીથી ચોમાસા દરમિયાન માર્ગો પર પાણીના નિકાલની સુવિધા સુદૃઢ બનવાની સાથે માર્ગ સુરક્ષા અને વાહનવ્યવહાર વધુ સરળ અને સલામત બન્યો છે.
વિભાગ દ્વારા હાથ ધરાયેલી વિવિધ કામગીરીના ફોટોગ્રાફ્સ પણ જાહેર જનતાની માહિતી માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
