કામની ગુણવત્તા, મંજૂર માપદંડો અને પારદર્શિતા જળવાય તે માટે તટસ્થ તપાસની રજૂઆત
![]()
![]()
![]()
સિદ્ધપુર તાલુકાના ધુમ્મડ ગામ નજીક દોતીવાડા સિંચાઈ વિભાગ હેઠળની ઈટેલ માયનોર કેનાલ ખાતે હાલ રિનોવેશન સહિતની કામગીરી ચાલી રહી છે. કેનાલના આ કામમાં સરકાર દ્વારા ફાળવવામાં આવતા જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થાય અને મંજૂર ધોરણો મુજબ ગુણવત્તાસભર કામગીરી થાય તે માટે સંબંધિત અધિકારીઓ દ્વારા સ્થળ પર રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આ અંગે કાર્યપાલક ઈજનેર, સિંચાઈ પેટા વિભાગ ગઢ તેમજ સંબંધિત કેનાલ વિભાગના અધિકારીઓ સ્થળ પર હાજર રહી ચાલી રહેલા રિનોવેશન કામની વિગતવાર તપાસ કરે તેવી રજૂઆત કરવામાં આવી છે. ખાસ કરીને કામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા, કામગીરીની પદ્ધતિ, મંજૂર નકશા અને અંદાજ મુજબનું કામ, માપપોથીમાં નોંધ તેમજ નિર્ધારિત ટેકનિકલ ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે.

સ્થાનિક કક્ષાએ કામગીરી અંગે કોઈપણ પ્રકારની શંકા કે પ્રશ્નો ઊભા ન થાય અને સમગ્ર કામમાં પારદર્શિતા જળવાઈ રહે તે માટે અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ જરૂરી માપણી તથા ગુણવત્તા ચકાસણી કરવામાં આવે તેવી માંગ છે.
સિંચાઈ કેનાલ ખેડૂતો માટે પાણી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવતી હોવાથી રિનોવેશનનું કામ માત્ર કાગળ પર પૂર્ણ થયેલું દર્શાવવાને બદલે સ્થળ પર યોગ્ય, ગુણવત્તાસભર અને લાંબા સમય સુધી ટકી શકે તે રીતે કરવામાં આવે તે જરૂરી છે. આ માટે જવાબદાર અધિકારીઓ દ્વારા કામગીરી દરમિયાન નિયમિત દેખરેખ રાખવામાં આવે તેવી પણ રજૂઆત કરવામાં આવી છે.
સમગ્ર મામલે સંબંધિત ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઈટેલ માયનોર કેનાલની સ્થળ મુલાકાત લઈ રિનોવેશન કામગીરીની તટસ્થ તપાસ કરવામાં આવે તથા તપાસ દરમિયાન કોઈ ખામી અથવા નિયમવિરુદ્ધ કામગીરી જણાય તો નિયમોનુસાર જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

