ચાર મહિનાથી સિલિન્ડર માટે ધક્કા ખાવાનો આક્ષેપ, OTP બાદ પણ વિતરણમાં વિલંબથી ગ્રાહકો પરેશાન
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામે આવેલી ભાગ્યલક્ષ્મી HP ગેસ એજન્સીની ગેસ વિતરણ વ્યવસ્થાને લઈને ગ્રાહકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડતી હોવાના આક્ષેપો ગ્રાહકો દ્વારા કરવામાં આવ્યા છે.
ગ્રાહકોના જણાવ્યા મુજબ, સિલિન્ડર માટે અગાઉથી OTP મેળવી લેવામાં આવ્યા હોવા છતાં તેમને સમયસર સિલિન્ડર મળતા નથી. ગ્રામ્ય વિસ્તારોમાંથી ગેસ લેવા આવતા ગ્રાહકોને લાંબા સમય સુધી લાઈનમાં ઊભા રહેવું પડતું હોવાના કારણે સમય અને રોજગારી બંનેનું નુકસાન થતું હોવાની રજૂઆત કરવામાં આવી છે.

ગ્રાહકોનો વધુમાં આક્ષેપ છે કે, વૃદ્ધો અને દિવ્યાંગ ગ્રાહકો માટે પણ અલગથી સુવિધા કે સરળ વ્યવસ્થા ઉપલબ્ધ ન હોવાથી તેમને પણ લાંબી લાઈનમાં ઊભા રહેવાની ફરજ પડે છે. એજન્સી ખાતે સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચેલા કેટલાક ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન કે જવાબદાર વ્યક્તિ ન મળતી હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે.
ગ્રાહકોની માંગ
ગ્રાહકોએ ગેસ પુરવઠા અને વિતરણ વ્યવસ્થામાં તાત્કાલિક સુધારો કરવાની માંગ કરી છે. સાથે જ OTP લીધા બાદ સિલિન્ડર વિતરણમાં થતા વિલંબ અંગે તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.
ગ્રાહકોની મુખ્ય માંગણીઓમાં નિયમિત ગેસ પુરવઠો, સમયસર સિલિન્ડર વિતરણ તેમજ વૃદ્ધો અને દિવ્યાંગો માટે સરળ અને અલગ વ્યવસ્થા ઊભી કરવાનો સમાવેશ થાય છે.
ગ્રાહકોનું કહેવું છે કે સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સંબંધિત વિભાગ અને ગેસ કંપની સમક્ષ વધુ ઉગ્ર રજૂઆત કરવામાં આવી શકે છે.
નોંધ: ઉપરોક્ત આક્ષેપો ગ્રાહકો દ્વારા કરવામાં આવેલી રજૂઆતો પર આધારિત છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

