હલકી ગુણવત્તાની સામગ્રી વપરાતી હોવાના આક્ષેપ સાથે જાગૃત નાગરિકની ઉચ્ચ કક્ષાએ રજૂઆત; સ્થળ તપાસ અને ગુણવત્તા પરીક્ષણની માંગ

રાપર તાલુકાના ગાગોદર ગામમાં બની રહેલા નવા ગ્રામ પંચાયત ભવનના બાંધકામને લઈને વિવાદ ઊભો થયો છે. બાંધકામમાં મંજૂર નકશા, એસ્ટીમેટ અને ટેકનિકલ માપદંડોનું પાલન થતું નથી તેમજ સિમેન્ટ, રેતી, કપચી અને લોખંડ સહિતની સામગ્રીની ગુણવત્તા અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા છે. આ અંગે ગ્રામજનોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

ગાગોદર ગામના જાગૃત નાગરિક જાડેજા રાજુભા ગંભીરિસિંહ દ્વારા સમગ્ર મામલે રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના મંત્રી, જિલ્લા વિકાસ અધિકારી તેમજ કલેક્ટર સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં બાંધકામની કામગીરીની તાત્કાલિક સ્થળ તપાસ કરી હકીકત બહાર લાવવાની માંગ કરવામાં આવી છે.

અરજદાર દ્વારા પોતાની રજૂઆત સાથે બાંધકામ સ્થળના GPS લોકેશન સાથેના ફોટોગ્રાફ્સ પણ પુરાવા તરીકે રજૂ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીના નમૂના લઈને તેને સરકારી માન્ય લેબોરેટરીમાં ગુણવત્તા પરીક્ષણ માટે મોકલવા તથા તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી શંકાસ્પદ કામગીરી અટકાવવાની માંગ કરવામાં આવી છે.

MB અને બિલ સહિતના રેકોર્ડની તપાસની માંગ

રજૂઆતમાં માત્ર બાંધકામની સામગ્રી જ નહીં, પરંતુ સમગ્ર કામની મેઝરમેન્ટ બુક (MB), બિલ, વર્ક ઓર્ડર અને ગુણવત્તા નિયંત્રણ સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. કામમાં નિયમોનું ઉલ્લંઘન કે ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટર તથા સંબંધિત અધિકારીઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવાની રજૂઆત કરાઈ છે.

અરજદારનું કહેવું છે કે જો બાંધકામમાં ખામી અથવા હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ સાબિત થાય તો તેનો આર્થિક બોજ સરકારી તિજોરી પર ન આવે અને જવાબદાર એજન્સી અથવા કોન્ટ્રાક્ટર પાસેથી નિયમ મુજબ પોતાના ખર્ચે ખામીયુક્ત કામનું સુધારણું અથવા જરૂરી હોય તો પુનઃબાંધકામ કરાવવામાં આવે.

નિષ્પક્ષ તપાસ નહીં થાય તો આંદોલનની ચીમકી

જાહેર નાણાંમાંથી ઊભી થતી ગ્રામ પંચાયત ભવન જેવી જાહેર મિલકત મજબૂત અને લાંબા સમય સુધી ટકાઉ રહે તે માટે બાંધકામના ગુણવત્તા ધોરણોનું પાલન જરૂરી હોવાનું રજૂઆતમાં જણાવાયું છે.

આ મામલે તંત્ર દ્વારા નિષ્પક્ષ અને ઉચ્ચ કક્ષાની તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે ચેતવણી આપવામાં આવી છે કે જો ફરિયાદને ગંભીરતાથી લેવામાં નહીં આવે અથવા યોગ્ય તપાસ હાથ ધરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગ્રામજનો દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન શરૂ કરવામાં આવી શકે છે.

હવે તંત્ર દ્વારા સ્થળ તપાસ અને ગુણવત્તા પરીક્ષણ હાથ ધરવામાં આવે છે કે કેમ અને તપાસમાં બાંધકામ અંગેના આક્ષેપોમાં કેટલી હકીકત સામે આવે છે તેના પર સૌની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!