સાંતલપુર તાલુકામાં વીજળી પડવાની ઘટનાથી પશુપાલકને મોટું આર્થિક નુકસાન
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
પાટણ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મેઘમહેર જોવા મળી રહી છે. જિલ્લામાં એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોવાના અહેવાલ વચ્ચે સાંતલપુર તાલુકાના વૌવા ગામની સીમમાં ગત સાંજે આકાશી વીજળી પડવાની ઘટના બની હતી. આ ઘટનામાં વૃક્ષ નીચે આરામ કરી રહેલા ઘેટાં-બકરાં ઝપેટમાં આવી જતા અંદાજે 35થી 40 પશુઓનાં મોત થયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, વૌવા ગામની સીમમાં એક ખેતરમાં વૃક્ષ નીચે ઘેટાં-બકરાંને રાખવામાં આવ્યા હતા. દરમિયાન ગત સાંજના સમયે અચાનક વીજળી પડતાં પશુઓ તેની ઝપેટમાં આવી ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થળ પર તપાસ કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ઘેટાં-બકરાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.
ઘટનાની જાણ પશુઓના માલિક વેલાભાઈ રબારીને કરવામાં આવતા તેમણે વૌવા ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા સમગ્ર બનાવ અંગે સાંતલપુર તાલુકા વિકાસ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી કમ મંત્રી વિપુલભાઈને ઘટનાસ્થળે મોકલી પ્રાથમિક તપાસ કરાવવામાં આવી હતી.

તાલુકા વિકાસ અધિકારી કુલદીપભાઈના જણાવ્યા મુજબ, રાત્રિના સમયે વૌવા ગામના સરપંચનો ફોન આવ્યો હતો અને ગામની સીમમાં વીજળી પડવાથી વૃક્ષ નીચે રહેલા ઘેટાં-બકરાંનાં મોત થયાની જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તલાટી કમ મંત્રીને તાત્કાલિક સ્થળ પર મોકલવામાં આવ્યા હતા. સ્થળ તપાસ દરમિયાન બનાવ બન્યો હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું.
હવે પશુપાલન વિભાગની ટીમ દ્વારા મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. સાંતલપુર તાલુકાના પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા વેટરનરી ડોક્ટર ભૂમિબહેન સ્થળ પર પહોંચી જરૂરી તપાસ અને પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરશે.
વેટરનરી ડોક્ટર ભૂમિબહેન તરલના જણાવ્યા મુજબ, સ્થળ પર જ મૃત પશુઓનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને તેનો રિપોર્ટ જિલ્લા વિકાસ અધિકારી (DDO)ને મોકલવામાં આવશે.
આકાશી વીજળીની આ ઘટનામાં પશુપાલક વેલાભાઈ રબારીના મોટી સંખ્યામાં ઘેટાં-બકરાંનાં મોત થતાં તેમને ભારે આર્થિક નુકસાન થયું છે. કુદરતી આફતના કારણે પશુપાલક પરિવાર પર આર્થિક મુશ્કેલી ઊભી થઈ છે. હવે સત્તાવાર તપાસ અને પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ મૃત પશુઓની ચોક્કસ સંખ્યા અને નુકસાન અંગે વધુ વિગતો સામે આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

