કચ્છ જિલ્લાના રાપર ખાતે આવેલી સરકારી હોસ્પિટલ (SDH)માં પ્રસૂતિ દરમિયાન નવજાત શિશુના મોતની કરુણ ઘટનાને લઈને વિવાદ વકર્યો છે. પરિવારની ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં પ્રસૂતિ સમયે ફરજ પર રહેલી ત્રણ સ્ટાફ નર્સની કામગીરી અંગે ગંભીર બેદરકારી નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. તપાસ અહેવાલમાં ત્રણેય સ્ટાફ નર્સો પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જણાય છે એવો અભિપ્રાય વ્યક્ત કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, તા. 24 જુલાઈ 2026ના રોજ કલ્યાણપર ગામે રહેતા અને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સમાં EMT તરીકે ફરજ બજાવતા નરેશભાઈ રઘુભાઈ રાવળના પત્ની પ્રિયાબેનને પ્રસૂતિની પીડા ઉપડતાં રાપર સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આક્ષેપ મુજબ, તે સમયે લેબર રૂમમાં ફરજ પરના સ્ત્રીરોગ નિષ્ણાત તબીબ અન્ય પ્રસૂતા મહિલાની ડિલિવરીમાં વ્યસ્ત હતા.

પરિવારના આક્ષેપ મુજબ, આ દરમિયાન પ્રિયાબેનની પૂરતી દેખરેખ રાખવામાં આવી ન હતી અને હોસ્પિટલના વોર્ડમાં જ તેમની પ્રસૂતિ થઈ ગઈ હતી. ત્યારબાદ નવજાત શિશુનું મોત થયું હતું. ઘટનાથી વ્યથિત પરિવારે તા. 6 ઓગસ્ટે હોસ્પિટલ પ્રશાસન સમક્ષ લેખિત ફરિયાદ કરી સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી.

ફરિયાદ બાદ આરોગ્ય વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ભીમ સેનાના કચ્છ જિલ્લા અધ્યક્ષ મયુરભાઈ આતુભાઈ મહેશ્વરી દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવ્યા બાદ જિલ્લા પંચાયત, ભુજની આરોગ્ય શાખાના ઇન્ચાર્જ જિલ્લા રસીકરણ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જણાવ્યા મુજબ, તપાસ તા. 24 ઓગસ્ટે પૂર્ણ કરવામાં આવી હતી અને તેનો અહેવાલ તા. 1 સપ્ટેમ્બરે વિભાગીય નાયબ નિયામક, રાજકોટને સુપરત કરવામાં આવ્યો હતો.

તપાસ અહેવાલમાં ઘટના સમયે લેબર રૂમની ડ્યૂટીમાં ત્રણ સ્ટાફ નર્સ હાજર હોવાનું નોંધાયું હોવાનું સામે આવ્યું છે. અહેવાલ મુજબ, પ્રસૂતિ બાદ નવજાત શિશુનું પ્રાથમિક ચેકઅપ કરવામાં આવ્યું ન હતું અને ચેકઅપ કર્યા વગર જ તેને રિફર કરવામાં આવ્યું હતું. આરોગ્ય વિભાગે આ બાબતને ગંભીર ગણાવી હોવાનું જણાવાયું છે અને ત્રણેય સ્ટાફ નર્સો અંગે પ્રાથમિક દ્રષ્ટિએ જવાબદારી નક્કી કરતી નોંધ કરવામાં આવી છે.

ભીમ સેનાએ કડક કાર્યવાહીની માંગ કરી

તપાસ અહેવાલ સામે આવ્યા બાદ આંતરરાષ્ટ્રીય ભીમ સેનાએ પણ આ મુદ્દે આક્રમક વલણ અપનાવ્યું છે. તા. 11 સપ્ટેમ્બરે ભીમ સેનાના અધ્યક્ષ મયુરભાઈ મહેશ્વરીએ જિલ્લા કલેક્ટર તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સહિતના અધિકારીઓને રજૂઆત કરી હોવાનો દાવો કર્યો છે.

રજૂઆતમાં તપાસમાં જવાબદાર ઠરાવવામાં આવેલી ત્રણેય સ્ટાફ નર્સ સામે કાયદેસરની ફરિયાદ નોંધાવી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ખાતાકીય તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્શન સહિતની કાર્યવાહી કરવા અને જવાબદારી નક્કી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.

ભીમ સેનાએ હોસ્પિટલમાં ફરજ બજાવતા અન્ય સ્ટાફ અને તબીબોની ભૂમિકા અંગે પણ તપાસ કરવાની માંગ કરી છે. હોસ્પિટલના વિવિધ શિફ્ટના CCTV ફૂટેજની તપાસ કરવામાં આવે અને જો અન્ય કોઈ કર્મચારીની બેદરકારી સામે આવે તો તેની પણ જવાબદારી નક્કી કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

સંગઠને ચીમકી આપી છે કે જો સમગ્ર મામલે યોગ્ય અને કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો ભોગ બનનાર પરિવાર સાથે મળી આંદોલન કરવામાં આવશે તેમજ જરૂર પડ્યે ન્યાય મેળવવા કોર્ટનો સહારો લેવામાં આવશે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!