નબળી કામગીરીના આક્ષેપો વચ્ચે મુખ્યમંત્રી અને ગાંધીનગર માર્ગ-મકાન વિભાગ સમક્ષ રજૂઆત
ભચાઉ-અંજાર હાઈવે તથા ભચાઉ-ગાંધીધામ હાઈવેને જોડતો મહત્વનો મોડવદરથી મીઠીરોહર માર્ગ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. માર્ગ પર કરવામાં આવેલી રિપેરિંગ કામગીરી માત્ર એક જ મહિનામાં ફરીથી ધોવાઈ જતા માર્ગની ગુણવત્તા અને કામગીરીની દેખરેખ અંગે સવાલો ઉઠી રહ્યા છે. સ્થાનિક નાગરિકો દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરે રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ મોડવદરથી મીઠીરોહર વચ્ચે નદી પર નવા પુલનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પુલના બંને છેડે ડામર રોડની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, કામગીરી પૂર્ણ થયાના થોડા જ સમયમાં રસ્તાના વિવિધ ભાગોમાં ડામર ઉખડવા લાગ્યો હતો અને માર્ગની સપાટી પર ખાડા પડવા લાગ્યા હતા.
આ અંગે જાગૃત નાગરિકો દ્વારા 17 ઓગસ્ટ 2026ના રોજ માર્ગ અને મકાન વિભાગને ઈ-મેઈલ મારફતે ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ બાદ તંત્ર દ્વારા ઝડપથી રિપેરિંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે, સ્થાનિકોના જણાવ્યા મુજબ પુલ નજીક કરવામાં આવેલું આ રિપેરિંગ કામ લગભગ એક જ મહિનામાં ફરીથી ખરાબ થઈ ગયું છે.
ગુણવત્તા ચકાસણી સામે ઉઠ્યા સવાલ
વારંવાર માર્ગ તૂટી પડવાના બનાવોને પગલે સ્થાનિકોમાં માર્ગ નિર્માણ અને રિપેરિંગ દરમિયાન ગુણવત્તા ચકાસણી તથા અધિકારીઓની દેખરેખ અંગે સવાલો ઉઠ્યા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે જો કામ દરમિયાન યોગ્ય સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને નિયમિત ગુણવત્તા ચકાસણી તથા સ્થળ પર દેખરેખ રાખવામાં આવી હોય તો આટલા ઓછા સમયમાં માર્ગની સ્થિતિ ફરી ખરાબ ન થવી જોઈએ.
સ્થાનિકો દ્વારા એવો પણ સવાલ કરવામાં આવી રહ્યો છે કે માર્ગના નિર્માણ અને રિપેરિંગ દરમિયાન જવાબદાર અધિકારીઓ તથા સુપરવાઈઝર દ્વારા સ્થળ પર કઈ પ્રકારની તપાસ કરવામાં આવી હતી? ઉપયોગમાં લેવાયેલી સામગ્રીની ગુણવત્તા અંગે કોઈ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું કે નહીં? તેમજ કામગીરી પૂર્ણ થયા બાદ બિલ પાસ કરતા પહેલાં સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું કે નહીં?
ઉચ્ચ સ્તરે પુરાવા સાથે રજૂઆત
માર્ગની સ્થિતિ અંગે સ્થાનિકો દ્વારા હવે સમગ્ર મામલો ઉચ્ચ સ્તરે લઈ જવામાં આવ્યો છે. રસ્તાની હાલતના ફોટોગ્રાફ સહિત ઉપલબ્ધ પુરાવા અને ફરિયાદની વિગતો ગાંધીનગર સ્થિત માર્ગ અને મકાન વિભાગ સમક્ષ રજૂ કરી સમગ્ર કામગીરી અંગે તપાસ અને રિપોર્ટની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત, મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી કાર્યાલય તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પણ લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ
માર્ગની કામગીરી અંગે ઉઠેલા સવાલોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો નિયમોનું ઉલ્લંઘન કે ગુણવત્તામાં બેદરકારી જણાય તો જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ જાહેર નાણાંમાંથી કરવામાં આવતા માર્ગકામમાં ગુણવત્તા સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ. રસ્તો વારંવાર તૂટે તો માત્ર કામચલાઉ રિપેરિંગ કરવાને બદલે તેની પાછળના કારણોની તપાસ કરી જવાબદારી નક્કી કરવાની જરૂર છે.
હવે મુખ્યમંત્રી કાર્યાલય અને માર્ગ-મકાન વિભાગ દ્વારા કરવામાં આવતી તપાસમાં માર્ગની ગુણવત્તા, ઉપયોગમાં લેવાયેલી સામગ્રી, કામની દેખરેખ, ગુણવત્તા ચકાસણી અને ચૂકવાયેલા બિલ સહિતના મુદ્દાઓની તપાસ થાય છે કે કેમ અને જવાબદારી નક્કી થાય છે કે નહીં, તે અંગે સ્થાનિકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

