કચ્છમાં પીવાના પાણીના પ્રશ્નોના નિરાકરણ અને ભવિષ્યના આયોજન માટે માઈક્રો પ્લાનિંગ સાથે વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરાઈ

કચ્છ જિલ્લામાં પીવાના પાણીની સુચારુ વ્યવસ્થા અને ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાની ગ્રામીણ અને શહેરી વસ્તીની પાણીની માંગ, ઉપલબ્ધ જળસ્ત્રોતો, અને ભવિષ્યના આયોજનો અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.
કચ્છ કલેક્ટરશ્રી દ્વારા પાણી સમિતિની બેઠકમાં જિલ્લાની કુલ પાણીની માંગ સામે નર્મદા, ટપ્પર ડેમ, જૂથ યોજનાઓ અને સ્થાનિક સ્ત્રોતો દ્વારા ઉપલબ્ધ પાણીના જથ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. વિલંબિત ચોમાસાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા માટે કચ્છ વહીવટી તંત્ર દ્વારા આગોતરું માઈક્રો પ્લાનિંગ હાથ ધરવામાં આવ્યું છે. પીવાના પાણીની તંગી નિવારવા માટે જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભૂગર્ભ જળ સ્ત્રોતોનું હાઇડ્રોલોજિસ્ટ મારફતે સર્વેક્ષણ કરાવીને કુલ ૧૧૩ નવીન બોર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાંથી સંભવિત અછતગ્રસ્ત વિસ્તારોમાં ૬૪ બોરના શારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જ્યારે બાકી રહેલા બોર ઝડપથી પૂર્ણ કરવાનું આયોજન હાથ ધરાયું છે. આ ઉપરાંત, અબડાસા અને લખપતના વિવિધ વિસ્તારોમાં આગામી દિવસોમાં નર્મદાનું પાણી પહોંચાડવા માટે ટપ્પર ડેમમાંથી વધારાનો જથ્થો પંપ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
કચ્છ કલેક્ટરશ્રી દ્વારા જિલ્લાના વિવિધ જળાશયો જેમ કે ગોધાતડ, ગજણસર, મીઠી, જંગડિયા, કંકાવટી, બેરાચિયા, અને રુદ્રમાતા ડેમમાં ઉપલબ્ધ જળસ્તરની પણ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી હતી. માંડવી તાલુકા માટે કચ્છ બ્રાન્ચ કેનાલ આધારિત યોજના થકી બિદડા અને લાયજા હેડ વર્ક્સ સુધી પાણી લિફ્ટ કરી લાભાર્થી ગામોને શુદ્ધ પાણી પૂરું પાડવાની કામગીરીની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.
કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, પાણીનો જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરે અને પાણીને લગતી કોઈપણ ફરિયાદ માટે ટોલ ફ્રી નંબર “૧૯૧૬” નો સંપર્ક કરે. કચ્છ જિલ્લામાં આગામી દિવસોમાં રાબેતા મુજબ જ પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે દિશામાં કામગીરી કરીને નાગરિકોને કોઈ જ મુશ્કેલી ન પડે એ પ્રકારનું આયોજન કરવા કચ્છ કલેક્ટરશ્રીએ પાણી પુરવઠા અને સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જણાવ્યું હતું.
આ પાણી સમિતિની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત, નાયબ વન સંરક્ષકશ્રી આયુષ વર્મા, નિવાસી અધિક કલેક્ટરશ્રી પાર્થ કોટડિયા, ભુજ પ્રાંત અધિકારીશ્રી એમ.જે.નાકિયા, જિલ્લા પાણી સમિતિના સભ્ય સચિવ અને કાર્યપાલક ઈજનેરશ્રી કે.આર.શાહ, જી.ડબ્લ્યુ.આઈ.એલના સીનિયર મેનેજરશ્રી એમ.જી.ચાવડા સહિત સિંચાઈ વિભાગ, ક્ષાર અંકુશ વિભાગ, સરદાર સરોવર નિગમ લિમિટેડ, પીજીવીસીએલ અને સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
