સાંતલપુર તાલુકાના વારાહીમાં 8થી 9 જેટલા તબીબો સામે એલોપેથીક સારવાર આપવાના આક્ષેપો, તાલુકા હેલ્થ ઓફિસર અને પાટણ એસઓજી તપાસ કરશે કે કેમ?

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના વારાહી ગામમાં તબીબી સારવારને લઈને ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, વારાહી વિસ્તારમાં હોમિયોપેથી અને આયુર્વેદિક લાયકાત ધરાવતા કેટલાક તબીબો દ્વારા એલોપેથીક દવાઓ આપવામાં આવતી હોવાની ચર્ચા છે. આ પ્રકારની પ્રવૃત્તિથી અજાણ અને ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.

સ્થાનિક સ્તરે મળતી માહિતી મુજબ, વારાહી વિસ્તારમાં અંદાજે 8થી 9 જેટલા તબીબો દ્વારા પોતાની લાયકાતની મર્યાદા બહાર જઈને એલોપેથીક સારવાર કરવામાં આવતી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો આ બાબત તપાસમાં સાચી સાબિત થાય તો દર્દીઓના આરોગ્ય માટે ગંભીર જોખમ ઊભું થઈ શકે છે.

આ સમગ્ર મામલે સૌથી મોટો સવાલ તાલુકા હેલ્થ ઓફિસરની કામગીરી સામે ઊભો થયો છે. કારણ કે તાલુકા હેલ્થ ઓફિસરની કચેરી વારાહીમાં જ આવેલી છે, ત્યારે આવી પ્રવૃત્તિઓ અંગે આરોગ્ય વિભાગ અજાણ છે કે પછી કોઈ કારણસર કાર્યવાહી કરવામાં આવતી નથી? તેવા સવાલો સ્થાનિક લોકોમાં ઉઠી રહ્યા છે.

બીજી તરફ, પાટણ જિલ્લામાં એસઓજી દ્વારા ગેરકાયદેસર તબીબી પ્રેક્ટિસના કિસ્સાઓમાં કાર્યવાહી કરવામાં આવતી હોય છે. ત્યારે વારાહીમાં થઈ રહેલા આક્ષેપોની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ તબીબ નિયમો વિરુદ્ધ સારવાર આપતા હોવાનું સામે આવે તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે.

હવે સવાલ એ છે કે આરોગ્ય વિભાગ અને પાટણ એસઓજી વારાહીના આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કરશે કે પછી ગરીબ દર્દીઓની મુશ્કેલીઓ યથાવત રહેશે?

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!