અકસ્માતમાં યુવકનું મોત, 108 કર્મચારીઓએ રોકડ રકમ અને iPhone પોલીસને સોંપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
![]()
![]()
![]()
સાંતલપુર તાલુકાના પર ગામ પાટિયા નજીક મંગળવાર, તા. 06/10/2026ના રોજ સાંજના આશરે 6 વાગ્યાના અરસામાં બાઈક અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત અંગે 108 ઈમરજન્સી સેવા પર જાણ થતાં 108ના પાયલોટ પ્રધ્યુમાનસિંહ ઉર્ફે ભારતસિંહ જાડેજા તથા EMT પ્રવીણભાઈ કપરૂપુરા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ઘટનાસ્થળે પહોંચીને 108ના કર્મચારીઓએ અકસ્માતગ્રસ્ત વ્યક્તિની તપાસ કરતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકની ઓળખ તથા પરિવારજનો અંગેની માહિતી મેળવવા માટે તેમના ખિસ્સાની તપાસ કરતાં તેમાં રૂ. 23,400 રોકડા તથા એક iPhone મોબાઇલ મળી આવ્યો હતો.
મૃતકની ઓળખ વસીમભાઈ હાસમભાઈ ટાંક, ઉંમર આશરે 25 વર્ષ તરીકે થઈ હતી. 108ના કર્મચારીઓએ માનવતા અને પોતાની ફરજ પ્રત્યેની નિષ્ઠા દાખવી મૃતક પાસેથી મળી આવેલી રોકડ રકમ અને મોબાઇલ પોતાની પાસે રાખવાને બદલે તાત્કાલિક 112 પોલીસ સેવાને જાણ કરી હતી.
જાણ થતાં જ 112ની ટીમ પણ તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. અકસ્માતને કારણે સર્જાયેલા ટ્રાફિકને પણ વ્યવસ્થિત કરી વાહનવ્યવહાર સુચારુ બનાવવામાં આવ્યો હતો.
બાદમાં 108ના કર્મચારીઓએ મૃતક વસીમભાઈ પાસેથી મળેલી રૂ. 23,400ની રોકડ રકમ તથા iPhone મોબાઇલ 112ના જમાદાર હર્ષદ ભારતીને સોંપ્યો હતો.
અકસ્મતમાં એક તરફ એક યુવકે જીવ ગુમાવ્યો હતો, ત્યારે બીજી તરફ 108ના કર્મચારીઓએ મૃતકની મિલકત પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચે તે માટે દાખવેલી પ્રમાણિકતા અને માનવતાની સરાહના થઈ રહી છે. 108ના પાયલોટ પ્રધ્યુમાનસિંહ ઉર્ફે ભારતસિંહ જાડેજા તથા EMT પ્રવીણભાઈ કપરૂપુરાની આ કામગીરી ફરજ સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ બની છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

