એક શખ્સ ઝડપાયો, રૂ.2.80 લાખની 9 મોટરસાઈકલ કબજે; પાટણ, અમદાવાદ અને કચ્છના ગુનાઓ ડિટેક્ટ
વાહનચોરીના ગુનાઓને અંજામ આપી પોલીસને પડકાર ફેંકનાર એક શખ્સને રાધનપુર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે આરોપીની પૂછપરછ બાદ પાટણ, અમદાવાદ અને કચ્છ જિલ્લામાંથી ચોરી થયેલી કુલ 9 મોટરસાઈકલ રિકવર કરી રૂ.2.80 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જણાવ્યું છે.
બનાસકાંઠા રેન્જ આઈજી પરિક્ષીતા રાઠોડ, પાટણ ઇન્ચાર્જ એસપી પ્રશાંત સુંબે અને ડીવાયએસપી કુણાલસિંહ એલ. પરમારના માર્ગદર્શન હેઠળ રાધનપુર પોલીસ દ્વારા વાહનચોરીના ગુનાઓ શોધવા ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પી.આઈ. આર.બી. વાઘીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન રાધનપુર બસ સ્ટેશન વિસ્તારમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે હાઈવે ચાર રસ્તા નજીકથી બનાસકાંઠાના વરસડા ગામના જયેશભાઈ ભાવાભાઈ ચૌધરીને ઝડપી પાડ્યો હતો. પોલીસ તપાસમાં આરોપી ચોરીની બાઈક વેચવા માટે ગ્રાહકોનો સંપર્ક કરી રહ્યો હોવાની માહિતી સામે આવી હતી.
પૂછપરછ દરમિયાન આરોપીએ અલગ-અલગ સ્થળોએથી મોટરસાઈકલ ચોરી કરી હોવાની કબૂલાત કરી હોવાનું પોલીસનું કહેવું છે. આરોપીની નિશાનીએ હોંડા લિવો, હીરો એચએફ ડિલક્સ, સ્પ્લેન્ડર, સ્પ્લેન્ડર પ્લસ અને સુપર સ્પ્લેન્ડર સહિતની 9 મોટરસાઈકલ પોલીસના હાથે લાગી છે.
બસ-રેલવે સ્ટેશન બન્યા ચોરીના નિશાન
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આરોપી અમદાવાદ અને કચ્છમાં ખાનગી નોકરી માટે આવતો-જતો હતો. આ દરમિયાન બસ સ્ટેશન, રેલવે સ્ટેશન તેમજ જાહેર સ્થળોએ પાર્ક કરેલી બાઈકને નિશાન બનાવતો હતો. પોતાની પાસે રહેલી ચાવીઓથી બાઈકનું લોક ખોલવાનો પ્રયાસ કરતો અને જે બાઈક ચાલુ થઈ જાય તેને લઈ જતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
ચોરી કરેલી બાઈકને બાદમાં અવાવરૂ સ્થળે સંતાડતો અથવા તક મળ્યે ગીરવે મૂકતો હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં સામે આવી છે.
આ કાર્યવાહીથી રાધનપુર પોલીસ સ્ટેશનના બે ગુનાઓ ઉપરાંત મુંદ્રા પોલીસ સ્ટેશન અને અમદાવાદ કાલુપુર રેલવે પોલીસ સ્ટેશનના વાહનચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
ઝડપાયેલા શખ્સનો અગાઉ મુંદ્રા, સાંતલપુર અને રાધનપુર પોલીસ સ્ટેશનમાં ચોરી સહિતના ગુનાઓ સાથેનો ગુનાહિત ઇતિહાસ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. હાલ પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
