PI આર.બી. વાધીયા સહિત પોલીસ સ્ટાફની માનવતાભરી પહેલ, પરિવારને કરિયાણાની કીટ આપી સહયોગ
![]()
![]()
![]()
![]()
![]()
પોલીસની ફરજ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવા પૂરતી સીમિત નથી, પરંતુ મુશ્કેલીના સમયે જરૂરિયાતમંદની પડખે ઊભા રહેવાની માનવતાભરી ભાવના પણ પોલીસ કર્મચારીઓમાં જોવા મળે છે. રાધનપુરમાં પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલી આવી જ એક સેવાકીય કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે.
રાધનપુરના નાનાપુરા વિસ્તારમાં રહેતા અને GRD જવાન તરીકે ફરજ બજાવતા વાલ્મીકિ અમરતભાઈ શીવાભાઈ છેલ્લા કેટલાક સમયથી શારીરિક તકલીફના કારણે અસ્વસ્થ હોવાની જાણ પોલીસ સ્ટાફને થઈ હતી. બીમારીના સમયગાળામાં તેમના પરિવારને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનું ધ્યાનમાં આવતા રાધનપુર પોલીસ પરિવારે મદદ માટે આગળ આવવાનું નક્કી કર્યું હતું.
રાધનપુર PI શ્રી આર.બી. વાધીયા સાહેબ તથા PSI શ્રી એચ.વી. ચૌધરી સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ જવાન જયદેવ ગઢવી, જીજ્ઞાબેન ચૌધરી, TRB જવાન ભુરાભાઈ મકવાણા સહિતના પોલીસ અને TRB સ્ટાફે વાલ્મીકિ અમરતભાઈના ઘરે રૂબરૂ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમિયાન પોલીસ ટીમે બીમાર GRD જવાન તથા તેમના પરિવારજનોની પરિસ્થિતિ જાણી તેમને સાંત્વના આપી હતી. સાથે જ પરિવારને રોજિંદા જીવનમાં ઉપયોગી બને તે માટે કરિયાણાની કીટ અર્પણ કરી સહયોગનો હાથ લંબાવ્યો હતો. મુશ્કેલીના સમયે પોતાના સાથી કર્મચારીના પરિવારને મદદરૂપ બની પોલીસ સ્ટાફે ફરજની સાથે માનવતાની ભાવનાનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ સમગ્ર સેવાકીય કામગીરીમાં TRB જવાન ભુરાભાઈ મકવાણાએ ખાસ પહેલ કરી સરાહનીય યોગદાન આપ્યું હોવાનું જણાવાયું છે. પોલીસ પરિવારની આ પહેલથી બીમાર જવાનના પરિવારને મુશ્કેલીના સમયમાં માનસિક અને સામાજિક આધાર મળ્યો હતો.
પોલીસ કર્મચારીઓ દ્વારા સાથી કર્મચારીની મુશ્કેલીને પોતાની સમસ્યા સમજીને મદદ માટે આગળ આવવાની આ કામગીરીને સ્થાનિક સ્તરે આવકાર મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવવાની સાથે પોતાના સાથી કર્મચારી પ્રત્યે સંવેદનશીલતા દાખવતી રાધનપુર પોલીસની કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે.
‘સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને માત્ર ફરજ પૂરતું નહીં પરંતુ માનવતાના કાર્ય સાથે જોડીને રાધનપુર પોલીસ પરિવારે સમાજ સમક્ષ સંવેદનશીલતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પોલીસ સ્ટાફ અને TRB જવાનોની આ માનવતાભરી પહેલની સ્થાનિક જનતા તેમજ પત્રકાર આલમ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

