કચ્છ જિલ્લાના ભચાઉ શહેરના મણીનગર વિસ્તારમાં આજે બપોરે વાડીમાં આવેલી બાવળની મોટી ઝાડીમાં આગ લાગતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ નજીકનાં મકાનો અને જવારના ઊભા પાક તરફ ફેલાવાની શક્યતા હોવાથી પરિસ્થિતિ ગંભીર બની હતી. જોકે, ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને વધુ પ્રસરતી અટકાવવા કામગીરી હાથ ધરી હતી.
મળતી માહિતી મુજબ, આજે બપોરે આશરે 2:15 વાગ્યે ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમને મણીનગર વિસ્તારમાં આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો. કોલ મળતાં જ ફાયર ટીમ જરૂરી સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી. સ્થળ પર તપાસ કરતાં આગ બંને બાજુ ફેલાઈ રહી હોવાનું જણાયું હતું. એક તરફ મોટા પ્રમાણમાં જવારનો પાક ઊભો હતો, જ્યારે બીજી તરફ રહેણાક મકાનો નજીક આગ પહોંચી રહી હતી.
આગ વધુ વિકરાળ બને અને ખેતીના પાક સહિત આસપાસની મિલકતોને નુકસાન પહોંચે તે પહેલાં ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂ કરી હતી. ટીમે બંને બાજુથી આગને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરતાં આગનો ફેલાવો અટકાવવામાં સફળતા મળી હતી.
જો આગ સમયસર કાબૂમાં ન આવી હોત, તો જવારના ઊભા પાકને મોટાપાયે નુકસાન થવાની સાથે નજીકનાં મકાનો પણ જોખમમાં મુકાઈ શકે તેમ હતાં. ફાયર ટીમની ત્વરિત કામગીરીથી સંભવિત મોટું નુકસાન ટળ્યું હતું.
આ કામગીરીમાં ફાયર ટીમના પ્રવીણભાઈ દાફડા, કુલદીપભાઈ અને શક્તિસિંહ જોડાયા હતા. આગની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી જવાબદારીપૂર્વક કામગીરી કરનાર ભચાઉ નગરપાલિકાની ફાયર ટીમની કામગીરી નોંધપાત્ર રહી હતી.
The Gujarat Live News અહેવાલ મનદીપસિંહ જાડેજા ભચાઉ
