લેબોરેટરી રિપોર્ટ વિના બાટલા ચડાવવા અને ઈન્જેક્શન આપવાના આક્ષેપ, આરોગ્ય વિભાગ તપાસ કરે તેવી માંગ

રાપર તાલુકાના આડેસર ગામમાં જરૂરી કાયદેસરની મંજૂરી વિના ક્લિનિકો ચલાવવામાં આવતાં હોવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારી (DDO) સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. અરજદાર રમણીક અમીચંદ કોટકે આ મામલે તાત્કાલિક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, આડેસર ગામમાં કેટલાક સ્થળોએ જરૂરી પરવાનગીઓ અને પ્રમાણપત્રો વિના તબીબી સારવાર તથા દવાના વેચાણની પ્રવૃત્તિ ચાલતી હોવાની ફરિયાદ છે. તબીબી વ્યવસાય માટે જરૂરી લાયકાત, રજિસ્ટ્રેશન અને લાગુ પડતી કાયદેસરની મંજૂરીઓનું પાલન થવું અનિવાર્ય છે. તેમ છતાં આડેસરમાં નિયમોનું ઉલ્લંઘન થતું હોવાના આક્ષેપ અરજદાર દ્વારા કરવામાં આવ્યા છે.

દર્દીઓની તપાસ વિના સારવાર અપાતી હોવાનો આક્ષેપ

અરજીમાં ગંભીર આક્ષેપ કરતાં જણાવાયું છે કે કેટલાક ક્લિનિકોમાં દર્દીઓની યોગ્ય તબીબી તપાસ કર્યા વિના અને લેબોરેટરી રિપોર્ટ વગર જ બાટલા ચડાવવામાં આવે છે તેમજ ઈન્જેક્શન અને દવાઓ આપવામાં આવે છે. સામાન્ય તાવ કે નબળાઈ જેવી તકલીફમાં પણ આવી સારવાર અપાતી હોવાની ફરિયાદ સાથે દર્દીઓ પાસેથી ઊંચી રકમ વસૂલવામાં આવતી હોવાનો મુદ્દો રજૂ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત, દવાઓની ગુણવત્તા અને ક્લિનિકોમાં જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તબીબી સારવારમાં બેદરકારી દર્દીઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે, ત્યારે સમગ્ર મામલે તંત્ર દ્વારા ગંભીરતાથી તપાસ કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

આરોગ્ય વિભાગ સ્થળ તપાસ કરે તેવી માંગ

અરજદાર રમણીક અમીચંદ કોટકે DDO સમક્ષ રજૂઆત કરીને આડેસર ગામમાં ચાલતાં હોવાના આક્ષેપવાળા ક્લિનિકોની સ્થળ તપાસ કરવા, જરૂરી દસ્તાવેજો અને તબીબી લાયકાતની ચકાસણી કરવા તથા દવાના વેચાણ અંગે તપાસ કરવા માંગ કરી છે.

જો તપાસ દરમિયાન ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કે નિયમોના ઉલ્લંઘનની પુષ્ટિ થાય, તો સંબંધિત વ્યક્તિઓ સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને જરૂરી મંજૂરી વિના ચાલતી તબીબી પ્રવૃત્તિઓ બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

હવે આ રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!