મહિન્દ્રા 3XO કારમાંથી હેરોઈનનો જથ્થો મળ્યો, 9 મોબાઈલ ફોન સહિત રૂ. 5.15 લાખનો મુદ્દામાલ જપ્ત
કચ્છ જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરીને ડામવા પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલા ‘NO DRUGS IN EAST KUTCH CAMPAIGN’ અંતર્ગત સામખીયારી પોલીસે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. ખાનગી બાતમીના આધારે પોલીસે મહિન્દ્રા 3XO કારમાં લઈ જવાઈ રહેલા 2.56 ગ્રામ હેરોઈન સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે.
પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સામખીયારી સ્મશાન બ્રિજથી ટોલ પ્લાઝા તરફ જતા સર્વિસ રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી. સરકારી પંચોની હાજરીમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં બ્લુ કલરની મહિન્દ્રા 3XO કાર નંબર GJ-12-FE-7444ને રોકી તપાસ કરવામાં આવી હતી. દરમિયાન કારમાંથી હેરોઈનનો જથ્થો મળી આવતાં પોલીસે કારચાલકની અટકાયત કરી હતી.
ઝડપાયેલા આરોપીની ઓળખ અક્ષયરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા (ઉંમર 31 વર્ષ), મૂળ સુથરી, તાલુકો અબડાસા અને હાલે માધાપર, ભુજ તરીકે થઈ છે.
પોલીસે આરોપી પાસેથી 2.56 ગ્રામ હેરોઈન, 9 મોબાઈલ ફોન, રૂ. 16,200 રોકડા, મહિન્દ્રા 3XO કાર, આધારકાર્ડ-પાનકાર્ડ સહિતના દસ્તાવેજો તેમજ સિલ્વર ફોઇલ અને લાઈટર કબજે કર્યા છે. કુલ રૂ. 5,15,200નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ મામલે આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-1985 હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ, ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શનથી અને સામખીયારી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ. ઝાલાના નેતૃત્વમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.
નશામુક્ત કચ્છના અભિયાન હેઠળ પોલીસની આ કાર્યવાહીથી નશીલા પદાર્થોની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.
The Gujarat Live News રિપોર્ટ રામજી પ્રજાપતિ સામખયારી
