રાપર તાલુકાના સુવઈ ગામ અને ગવરીપર–નારણપર જુથ ગ્રામ પંચાયતને જોડતો પુલ તાજેતરમાં તુટી પડતા વાહન વ્યવહાર ઠપ થઇ ગયો છે.
માત્ર ૧૧ માસ અગાઉ બનેલો આ પુલ અતિવૃષ્ટિના કારણે તુટી જવા પામ્યો છે, પરંતુ ગ્રામજનોનો આક્ષેપ છે કે નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતા અને ભ્રષ્ટાચારના પાપે આ પુલ અર્ધવટે જ ધરાશાયી થયો છે.

આ ઘટના કારણે બે ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો છે.
ખેડૂતોની જમીન ધોવાઈ જતાં અને પાકમાં પાણી ફરી વળતાં મોટાપાયે નુકસાન થયું છે.
સુવઈ ડેમમાંથી પાણી છોડાતા અગાઉની જેમ કોઝવેવ (પાપડી) દ્વારા એક-બે દિવસમાં રસ્તો ખુલ્લો થઈ શકતો, પરંતુ હાલના પુલ તુટી જવાથી છેલ્લા ચાર દિવસથી માર્ગ બંધ છે.
સ્થાનિક પૂર્વ સભ્ય વાલાભાઈ ઢીલાએ જણાવ્યું હતું કે પુલના નિર્માણ સમયે નબળી ગુણવત્તાનો ઉપયોગ થતો હોવા અંગે તેઓએ તાલુકા સંકલન બેઠક તેમજ સ્વાગત નિવારણ સમિતિમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો, પરંતુ રાજકીય કારણોસર અવગણના કરવામાં આવી હતી.
હાલમાં ગ્રામજનોએ કલેકટર સમક્ષ રજૂઆત કરી છે કે પુલનું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે અને તાત્કાલિક નવા પુલનું કામ હાથ ધરવામાં આવે.
અન્યથા પૂર્વે જે રીતે કોઝવેવ પાપડી હતી તેવી જ તાત્કાલિક બનાવવામાં આવે તેવી માંગ ઉઠાવી છે.
The Gujarat Live News

