પાકનું મોટું નુકસાન, વળતરની માંગ ઉઠી
સાંતલપુર તાલુકાના બાબરા ગામમાં આવેલ ઓરવા ડેમ ગત દિવસોમાં પડેલા ભારે વરસાદ બાદ તૂટી પડતા ગ્રામ્ય વિસ્તારોમાં હાહાકાર મચી ગયો છે.

ડેમ તૂટી જતાં ગામની આસપાસના ૭૦ એકરથી વધુ ખેતરોમાં પાણી ભરાઈ ગયાં હતાં, જેના કારણે ખેડૂતોના ઉભા પાકો પાણીમાં ગરકાવ થઈને બળી ગયાં છે.
પાક વિના ખેડૂતોના જીવનનિર્વાહ પર સીધી અસર થવા પામી છે.
સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે વર્ષોથી પરિશ્રમપૂર્વક પાક ઉગાડ્યા બાદ આ વર્ષે કુદરતી આફત સાથે સાથે તંત્રની બેદરકારીના કારણે તેઓ આર્થિક રીતે ખંચાઈ ગયા છે.
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે સિંચાઈ વિભાગ દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરાયું હતું.
ખેતરોની વચ્ચે થયેલા આ બાંધકામના કારણે પાણીનો દબાણ વધી ગયો અને અંતે ડેમ તૂટી પડ્યો.
ગામજનો દ્વારા સામૂહિક રીતે આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ માગણી કરવામાં આવી છે કે –
ખેતરોની વચ્ચે કરાયેલા ગેરકાયદેસર બાંધકામને તાત્કાલિક રોકવામાં આવે.
સિંચાઈ વિભાગની બેદરકારીની તપાસ કરવામાં આવે.
પાકને થયેલા નુકસાન બદલ ખેડૂતોને યોગ્ય વળતર તાત્કાલિક ચૂકવવામાં આવે.
ખેડૂતોનું કહેવું છે કે આ ઘટનાએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું છે.
પરિવારના ભરણપોષણથી લઈને દેવાનો ભાર વધવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે.
બીજી તરફ તંત્ર દ્વારા હાલ કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી, પરંતુ પ્રાથમિક સ્તરે નુકસાનના આંકડા એકત્રિત કરવાની કામગીરી હાથ ધરાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર પ્રશ્ન ઊભો કર્યો છે કે કુદરતી આફતોની સાથે તંત્રની બેદરકારી અને ગેરવ્યવસ્થાના કારણે ખેડૂતો વારંવાર પાયમાલ કેમ થાય છે?
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
