પાટણ જિલ્લામાં ગેરકાયદેસર રીતે ચાલતી રેતી ખનનની પ્રવૃત્તિ સામે ખનીજ વિભાગે ગતરાત્રે મોટાપાયે કાર્યવાહી હાથ ધરી હતી. 

સરસ્વતી તાલુકાના દેલિયાથર ગામ નજીક બનાસ નદીના પટમાં પોલીસ સાથે સંયુક્ત રીતે છાપો મારતા ભૂમાફિયાઓના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ થયો હતો.

આ ઓચિંતી રેડ દરમિયાન ખનીજ વિભાગે 15 ડમ્પર મશીનો તથા એક હિટાચી મશીન મળી અંદાજિત રૂ.6 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

કબજે કરાયેલા આ મશીનો અને વાહનો હાલ પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.

ખનીજ વિભાગના અધિકારીઓ મુજબ, પાટણ પંથકમાં લાંબા સમયથી ભૂમાફિયાઓ દ્રારા રેતી ખનનનો કાળો ધંધો ચાલી રહ્યો છે. 

અવારનવાર તંત્ર કડક કાર્યવાહી હાથ ધરે છે, છતાં ભૂમાફિયાઓ દ્રારા ગુપ્ત રીતે નદીના પટમાંથી રેતી ખનન ચાલુ રાખવામાં આવતું હોવાના આક્ષેપો ઉઠતા રહ્યા છે.

તંત્ર સુધી ચોક્કસ બાતમી પહોંચતા તાત્કાલિક પોલીસ સાથે સંકલન કરી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

આ કાર્યવાહીને પગલે પાટણ પંથકમાં ખળભળાટ મચી ગયો છે.

ગેરકાયદેસર રીતે રેતી ખનન કરનારા માફિયા તંત્રની સખત કાર્યવાહીથી ગભરાઈ ગયા હોવાનું જણાઈ રહ્યું છે.

આ સાથે જ સ્થાનિક સ્તરે ચર્ચા છે કે, તંત્રની નજર ચૂકી રેતીના ખનનનો ધંધો સતત વિકસતો રહ્યો છે.

અવારનવાર રેડ થવા છતાં ભૂમાફિયાઓને કેવી રીતે આટલો મોટો ગેરકાયદેસર ધંધો ચલાવવાનો મોકો મળી રહ્યો છે? હાલ ખનીજ વિભાગે કબજે કરાયેલા મુદ્દામાલ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સંબંધિત વ્યક્તિઓ સામે કેસ નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!