સગીરાએ ત્રાસથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ, શાળા સંચાલન પર ગંભીર આક્ષેપો
પાટણ શહેરની કેન્દ્રીય વિદ્યાલયમાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે.

ધોરણ 8માં ભણતી સગીર વયની વિદ્યાર્થીનીને તેના જ વર્ગના ત્રણ વિદ્યાર્થીઓ દ્વારા બ્લેડના ચેકા મારી લાઇટરથી ડામ આપવાની ઘટનાએ સમગ્ર શહેરમાં ખળભળાટ મચાવ્યો છે.
મળતી વિગતો મુજબ, સતત પજવણી અને ત્રાસથી કંટાળી યુવતીએ પોતાના ઘરે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.
હાલ તેની હાલત ગંભીર હોવા પગલે તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે.
સગીરાના પિતાએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું કે, જ્યારે તેમણે શાળાના સીસીટીવી ફૂટેજ માંગ્યા ત્યારે આચાર્યએ “કોમ્પ્યુટરના પાસવર્ડ નથી” એવો જવાબ આપ્યો હતો.
આ ઉપરાંત, સગીરા જો ઘટનાની જાણ બહાર કરશે તો તેને લિવિંગ સર્ટિફિકેટ (LC) આપી દેવાની ધમકી પણ એક શિક્ષક દ્વારા આપવામાં આવી હોવાનું સામાજિક આગેવાન મંગાજી ઠાકોરે ખુલાસો કર્યો.
આ ઘટના બાદ નવઘણજી ઠાકોરે ચેતવણી આપી છે કે, “દોષીતો સામે તાત્કાલિક કડક પગલાં નહીં ભરાય તો અમે કેન્દ્રીય વિદ્યાલયનો ઘેરાવો કરીશું.”
સગીરાના પિતાની ફરિયાદના આધારે ગોલપુર પોલીસ મથકે ત્રણ વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો છે.
હાલ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને સત્ય બહાર લાવવા પ્રયાસો ચાલી રહ્યા છે.
આ બનાવે શાળા સંચાલનની કામગીરી અને વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે અનેક પ્રશ્નો ઉભા કર્યા છે.
પેરન્ટ્સ અને સામાજિક આગેવાનોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
