પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં સ્વચ્છતા જાળવવા સહિત પ્રવાસીઓનો સુખદ અનુભવ રહે તે માટે માર્ગદર્શન આપતા કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલ

આગામી દિવસોમાં રણોત્સવમાં સહભાગી થવા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યારે કચ્છ જિલ્લાની મુલાકાતે આવનારા છે ત્યારે કચ્છ કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ અને ધોરડો, ધોળાવીરા સહિત આજુબાજુ વિસ્તારના રિસોર્ટ/હોમસ્ટે ધારકો ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરશ્રી આનંદ પટેલે કચ્છના હોમસ્ટે/રિસોર્ટ ધારકો સાથે સંવાદ કરીને તેમના પ્રશ્નો અંગે જાણકારી મેળવી હતી. કલેક્ટરશ્રીએ તમામ હોમસ્ટે/રિસોર્ટ ધારકોને રિસ્પોન્સીબલ ટુરિઝમના ધ્યેય સાથે પ્લાસ્ટિક પ્રતિબંધિત વિસ્તારમાં પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરવા અનુરોધ કર્યો હતો. કચ્છમાં મહત્તમ સંખ્યામાં પ્રવાસીઓ આવે, સ્થાનિક લોકોને રોજગારી મળે અને સ્થાનિક કલા/લોકકલાનો વિકાસ થાય તે માટે સરકાર પ્રયત્નશીલ હોય ધોરડો, ધોળાવીરા સહિત વિસ્તારના તમામ હોમસ્ટે/રિસોર્ટ ધારકો પણ પ્રવાસીઓનો અનુભવ સુખદ રહે તે માટે જરૂરી હાઈજીન જાળવે, સ્વચ્છતા રાખે અને પારદર્શિતા અપનાવે તેમ કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું. કચ્છ આવતા પ્રવાસીઓ ઓનલાઈન રણ પરમીટ મેળવી શકે તે માટે ક્યુઆર કોર્ડથી પરમીટ મેળવવા અંગે હોમસ્ટે/રિસોર્ટ ધારકોને કચ્છ કલેક્ટરશ્રીએ માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી ઉત્સવ ગૌતમ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નિકુંજ પરીખ, ભુજ પ્રાંત અધિકારીશ્રી અનીલ જાદવ, ભચાઉ પ્રાંત અધિકારીશ્રી જ્યોતિ ગોહિલ, ખાવડા સીનીયર નાયબ મામલતદારશ્રી અમિત પરમાર, ધોરડો સરપંચશ્રી મિયા હુસેન, ધોળાવીરા સરપંચશ્રી જીલુભા સોઢા સહિત અધિકારીશ્રીઓ, હોમસ્ટે/રિસોર્ટના સંચાલકો/માલીકો ઉપસ્થિત રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
