મહિલાઓ સખી મંડળના માધ્યમથી હાથ વણાટની ચીજ-વસ્તુઓનું વેચાણ કરીને પરિવારનો મજબૂત આધાર બની

લખપતિ દીદી યોજના થકી છેવાડાના ગામની મહિલાઓ રાજ્યભરના વેચાણમેળામાં ભાગ લઇ વાર્ષિક ₹ ૧ લાખ કે તેથી વધુની આવક મેળવવા સશક્ત બની

લખપતિ દીદી યોજના સરકારની એક પહેલ છે જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં સ્વ-સહાય જૂથો (SHG)માં મહિલાઓને ટકાઉ આજીવિકા દ્વારા વાર્ષિક ₹ ૧ લાખ કે તેથી વધુ આવક મેળવવા માટે સશક્ત બનાવવાનો છે. આ યોજના કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપે છે તેમજ મહિલાઓને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવા માટે ક્રેડિટ સપોર્ટ અને તાલીમ પૂરી પાડે છે. રાજ્ય સરકારના આવા સહકારના કારણે રાજ્યભરની અનેક મહિલાઓ પોતાના હુનરના બળે આગળ આવીને “લખપતિ દીદી” બની છે. આવી જ સફળ કહાની કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના રામપર – વેકરા ગામના વણકર પરિવારની મહિલાઓની છે. જેઓ રાજ્ય સરકારના સહયોગ થકી આજે આત્મનિર્ભર બનવા સાથે પોતાના હુનરના બળે “લખપતિ દીદી” બની છે.

પરંપરાગત હાથ વણાટનો હુનર ધરાવતી રામપર– વેકરાની વણકર સમાજની મહિલાઓ અગાઉ ખેતી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતી હતી. પરંતુ રાજ્ય સરકારની લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળના માધ્યમથી આ બહેનોને ગુજરાત સરકારે આર્થિક સહાય સાથે વેચાણ માટે પ્લેટફોર્મ આપતા આજે આ બહેનો ગામમાં મિશાલ રૂપ બની છે. આજે અન્ય મહિલાઓ માટે પ્રેરણારૂપ બનવા સાથે તેમના પરિવાર માટે પણ આધારસ્તંભ બની છે.

આંબેડકર સખી મંડળમાં સંગઠિત બનીને ૮ થી ૧૦ મહિલાઓ હાથ–વણાટની ચીજ-વસ્તુઓ બનાવી આજે રાજ્યભરમાં સફળ વેપાર કરી વર્ષે ૧ લાખ કે તેથી વધુની આવક રળી રહી છે. સખી મંડળના જમનાબેન મેરીયાએ જણાવ્યું હતું કે, અમારા સમુદાયની બહેનોને હાથ વણાટનું કામ વારસાગત આવડતું હોય છે, પરંતુ આર્થિક સંકડામણના કારણે અમે અમારી કળાને વ્યવસાય બનાવીને આવક મેળવી શકતા ન હતા. પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે મહિલા સશક્તિકરણના નિર્ધાર સાથે મહિલાઓના ઉત્થાન માટે અનેક વિવિધ યોજનાઓ અમલી કરી છે. જેમાં “લખપતિ દીદી” યોજના મહિલાઓ લાખોની કમાણી કરી શકે તે હેતુ માટે શરૂ કરાયેલી એક પહેલ છે.

જમનાબેન મેરીયા વધુમાં જણાવે છે કે, અમારા મંડળની મહિલાઓ પહેલા ખેતી કામ કરીને ગુજરાન ચલાવતી હતી, તેઓ હવે સખી મંડળના માધ્યમથી એકસાથે મળીને પોતાની આવડત સાથે ઘર બેઠા હાથ વણાટનું કામ કરે છે. મહિલાઓ શાલ, ડ્રેસ, દુપટ્ટા વગેરે બનાવે અને તેમાં આભલા ભરવાનું, ફુમતા ટાંકવાનું કામ કરીને દર વર્ષે ૧ લાખથી વધુની કમાણી કરી રહી છે. અમારા સખી મંડળને રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહયોગ આપવામાં આવતા અમારી કલાના માધ્યમ દ્વારા રોજગારી મેળવી રહ્યા છે. હાલમાં અમે કચ્છના રણોત્સવમાં તેમજ જયપુર, પટના જેવા મોટા શહેરોમાં માલનું વેચાણ કરીએ છીએ. ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા શહેરોમાં યોજાતા એક્ઝિબિશનમાં ભાગ લઇને ગ્રાહકોને સીધો માલ વેચીએ છીએ. ગ્રામીણ મહિલાઓને રોજગાર આપવા માટે સખી મંડળની બહેનો વતી જમનાબેને દેશના વડાપ્રધાનશ્રી અને ગુજરાત સરકારશ્રીનો દિલથી આભાર માન્યો હતો.

The Gujarat Live News 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!