પાટણ જિલ્લાના સાતલપુર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી વધતા દારૂના દુષણ સામે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે.

સાતલપુર તાલુકાના વારાહી સ્થિત મામલતદાર કચેરી ખાતે ક્ષત્રિય ઠાકોર સેનાના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને સમગ્ર તાલુકામાં દારૂબંધીની કડક અમલવારી કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં જણાવાયું હતું કે સાતલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે દારૂનું વેચાણ અને ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડાઓ કારણે સામાજિક સમસ્યાઓમાં વધારો થયો છે. દારૂના કારણે ઘરેલુ હિંસા, ગુનાખોરી તેમજ યુવાધન ભટકવાની ઘટનાઓ વધી રહી હોવાની રજૂઆત કરવામાં આવી હતી. ખાસ કરીને ગામડાંઓમાં દારૂનું દુષણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધતું જઈ રહ્યું હોવાથી સમાજમાં ચિંતા ફેલાઈ છે.
ક્ષત્રિય ઠાકોર સેનાએ રજૂઆતમાં પ્રશ્ન ઉઠાવ્યો હતો કે તાલુકાના અનેક ગામોમાં દારૂનો ગેરકાયદે ધંધો ખુલ્લેઆમ ચાલતો હોવા છતાં પોલીસ તંત્ર કેમ કાર્યવાહી કરતું નથી? શું આ દારૂનું દુષણ ચાલતું હોવા છતાં પોલીસ તંત્ર અજાણ છે? તેવી કડક ટિપ્પણી સાથે જવાબદાર અધિકારીઓ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર ખાતે અલ્પેશ ઠાકોરના નેતૃત્વમાં યોજાયેલા ઠાકોર સમાજના સંમેલન બાદ સમાજના આગેવાનો દ્વારા તાલુકા સ્તરે દારૂબંધી માટે અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના અનુસંધાને સાતલપુર તાલુકામાં ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા તંત્રને આવેદનપત્ર આપી દારૂના દુષણ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
આ પ્રસંગે ક્ષત્રિય ઠાકોર સેનાના તાલુકા પ્રમુખ રાણાજી ઠાકોરે જણાવ્યું હતું કે, “સાતલપુર તાલુકામાં દારૂનું દુષણ હદે પહોંચી ગયું છે. જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો સમાજને રસ્તા પર ઉતરવા મજબૂર થવું પડશે.” જ્યારે પૂર્વ પ્રમુખ ચમનજી ઠાકોરે જણાવ્યું હતું કે, “દારૂના કારણે ગામડાંઓમાં સામાજિક શાંતિ ભંગ થઈ રહી છે. પોલીસ તંત્રએ અસરકારક કામગીરી કરવી જરૂરી છે.”
બામરોલી ગામના ગાંડાભાઈ લગધીરભાઈ ઠાકોરે પણ દારૂબંધીની માંગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, “દરેક ગામમાં દારૂના અડ્ડા બંધ થવા જોઈએ, જેથી યુવાધનનું ભવિષ્ય બચી શકે.”
મામલતદાર દ્વારા આવેદનપત્ર સ્વીકારીને ઉચ્ચ અધિકારીઓ સુધી રજૂ કરવાની તથા યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
