પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં સાંતલપુરથી પીપરાળા સુધી બનતા સિક્સ લેન નેશનલ હાઇવેના કામને લઈને ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આક્ષેપ મુજબ યોગ્ય નોટિસ આપ્યા વગર તેમજ વળતર ચૂકવ્યા વગર તેમની ખેતીની જમીન સંપાદન કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ મામલે સાંતલપુર તાલુકાના અનેક ખેડૂતો રાધનપુર ખાતે નાયબ કલેક્ટર કચેરીએ પહોંચી રજૂઆત કરી હતી. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે તેમની જમીન પર રોડના કામ માટે માપણી અને અન્ય કાર્યવાહી હાથ ધરાઈ છે, પરંતુ અગાઉથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને હજુ સુધી જમીનનું વળતર પણ ચૂકવાયું નથી.
ખેડૂતોનું કહેવું છે કે ખેતી જ તેમના પરિવારના જીવનનિર્વાહનું મુખ્ય સાધન છે. યોગ્ય વળતર ચૂકવ્યા વગર જમીન સંપાદન કરવું કાયદેસર નથી અને આ રીતે ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે.
ખેડૂતો દ્વારા સરકાર અને સંબંધિત અધિકારીઓને રજૂઆત કરીને સમગ્ર મામલે તાત્કાલિક તપાસ કરવા તથા ખેડૂતોને નિયમ મુજબ યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરવામાં આવી છે.
સાથે જ ખેડૂતો એ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ પર વહેલી તકે કાર્યવાહી નહીં થાય તો આગામી સમયમાં આ મુદ્દે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
