પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ અનેક ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્માર્ટ મીટર સિસ્ટમમાં ગડબડ, બિલિંગમાં ખામીઓ અને યોગ્ય જવાબ ન મળતા લોકોમાં અસંતોષ વધતો જોવા મળી રહ્યો છે. ઘણા ગ્રાહકોનું કહેવું છે કે તેઓ વીજબીલ ભર્યા હોવા છતાં મોબાઇલમાં ફરીથી બિલ દર્શાવાતા ચિંતિત બન્યા છે.

રાધનપુર તાલુકાના દેવગામ ગામના ગ્રાહક બાબુભાઈ બજાણિયાએ જણાવ્યું હતું કે તેમણે 2100 રૂપિયાનું વીજબીલ ચૂકવ્યા બાદ પણ તેમના મોબાઇલમાં ફરીથી 200 રૂપિયાનું બિલ દેખાયું હતું. આ ઉપરાંત સ્માર્ટ મીટરમાં અન્ય વ્યક્તિના નામનું બિલ દર્શાતા તેમણે તાત્કાલિક વીજ વિભાગના કર્મચારીઓને જાણ કરી હતી. જોકે આ અંગે સ્પષ્ટ જવાબ ન મળ્યો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો છે.

ગ્રાહકના જણાવ્યા મુજબ બિલ અંગેની સમસ્યા ઉકેલાવવા માટે તેમને વારંવાર જીઈબી કચેરીના ચક્કર લગાવવા પડ્યા હતા. ધંધા-રોજગાર છોડીને સતત ત્રણ દિવસ સુધી કચેરીએ જવું પડ્યું હોવા છતાં સમસ્યાનો સંતોષકારક ઉકેલ મળ્યો નથી.

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાધનપુર તાલુકાના કેટલાક ગામોમાં સ્માર્ટ મીટર લાગ્યા બાદ બિલિંગ સંબંધિત ગેરસમજ અને ટેકનિકલ ખામીઓ વધતી જઈ રહી છે. ઘણા વિસ્તારોમાં મીટર બંધ પડી જવાની સમસ્યા પણ સામે આવી રહી છે. કેટલાક કિસ્સામાં મીટર અને ગ્રાહકના નામ વચ્ચે ગડબડ હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીમાં કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાના આરોપો વચ્ચે હવે લોકોમાં અસંતોષ વધી રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે સમસ્યાના ઉકેલ માટે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે.

આ સમગ્ર મામલે રાધનપુર તાલુકામાં સ્માર્ટ મીટર બંધ કરવાની માંગ ઉઠી રહી છે. અનેક ગ્રાહકો અને સ્થાનિક લોકોએ જૂના મીટર સિસ્ટમ ફરી શરૂ કરવાની માંગ કરી છે તેમજ વીજ વિભાગ દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગ્રાહકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!