રાધનપુર શહેરમાં નાગરિકોની મૂળભૂત જરૂરિયાતોને લઈ ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. વોર્ડ નં. 1ના સથવારાવાસ અને પીરવાળી શેરી વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી આવતી સમસ્યાઓને કારણે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ વ્યાપ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નગરસેવક જયાબેન ઠાકોરે આજરોજ વિસ્તારોની મુલાકાત લઈ રહીશો સાથે સીધી વાતચીત કરી હતી.
મુલાકાત દરમિયાન રહીશોએ ખુલ્લેઆમ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે કરવામાં આવેલા વાયદાઓમાંથી એકપણ કામ હજી સુધી પૂર્ણ કરવામાં આવ્યું નથી. ખાસ કરીને રોડ-રસ્તાની ખરાબ હાલત, ગટરની સમયસર સાફ સફાઈ ન થવી, પીવાના પાણીમાં ભેળસેળ અને રખડતા ઢોર જેવી સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી યથાવત્ છે. રહીશોનું કહેવું છે કે આ મુદ્દાઓ અંગે અનેક વખત નગરપાલિકા તથા સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે સત્તાપક્ષના કોર્પોરેટર પણ વિસ્તારની મુલાકાત લેતા નથી અને સમસ્યાઓના ઉકેલ માટે કોઈ પહેલ કરવામાં આવતી નથી. આ કારણે નાગરિકોમાં નારાજગી દિવસેને દિવસે વધતી જાય છે.
નગરસેવક જયાબેન ઠાકોરે સ્થળ પર જ ગટરની સાફ સફાઈ કરાવી હતી અને રહીશોને આશ્વાસન આપ્યું હતું કે તેઓ આ મુદ્દાઓને નગરપાલિકા સુધી લઈ જઈ યોગ્ય ઉકેલ લાવવા પ્રયત્ન કરશે. જોકે રહીશોએ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી હતી કે જો આવનારા દિવસોમાં સમસ્યાઓનું નિરાકરણ નહીં આવે, તો તેઓ નગરપાલિકા કચેરી ખાતે જઈ ઉગ્ર વિરોધ નોંધાવશે.
રહીશોએ વધુમાં જણાવ્યું હતું કે હાલ તેઓ જે પ્રદૂષિત પાણી પીવા મજબૂર છે અને ગંદકી વચ્ચે જીવન જીવવું પડે છે, તેવી જ પરિસ્થિતિ જવાબદાર અધિકારીઓને પણ અનુભવી પાડવા માટે તેઓ કડક પગલાં ભરવા મજબૂર બનશે.
આવનારા દિવસોમાં આ કામોનું સોલ્યુસન નહીં આવે તો સ્થાનિક રહીશો સાથે પાલિકા જઈ નગરપાલિકા જવાબદાર સત્તાપક્ષ અને ચીફ ઓફિસર ને આવું પાણી પીવડાવામા તેમજ ગટરની ગંદી જીવાત એમના ઘરે તેમજ ઓફિસે નાખવામાં આવશે એવુ સ્થાનિક રહીશોએ જણાવેલ
આ સમગ્ર ઘટનાએ રાધનપુર નગરપાલિકાની કામગીરી પર સવાલો ઊભા કર્યા છે. હવે જોવું રહ્યું કે તંત્ર આ સમસ્યાઓનો કાયમી ઉકેલ લાવવા માટે કેટલું ઝડપથી અને અસરકારક રીતે કાર્યવાહી કરે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
