રાધનપુર ના મંડાઈ ચોક વિસ્તારમાં ગંદકી અને અસ્વચ્છતાની ગંભીર સમસ્યા સામે આવી છે. હીરશા ગરની સેરી, ગોગાશેરી તથા મીરાં દરવાજા-મંડાઈ ચોક રોડ વિસ્તારમાં ખુલ્લી ગટરો, રસ્તા પર વહેતું ગંદુ પાણી અને કચરાના ઢગલાઓને કારણે સ્થાનિક લોકો ભારે પરેશાન બન્યા છે. પાલિકાની બેદરકારી સામે લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ પાલિકા દ્વારા સમયસર કચરો ઉપાડવામાં આવતો નથી, જેના કારણે વિસ્તારમાં દુર્ગંધ અને ગંદકી સતત વધી રહી છે. ખુલ્લી ગટરોમાં કચરો ભરાઈ જતાં ગંદુ પાણી સીધું જાહેર રસ્તા પર ફરી વળે છે, જેના કારણે રાહદારીઓ અને વેપારીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.
વિસ્તારમાં આવેલી જાહેર મુતરડીઓની હાલત પણ અત્યંત દયનીય હોવાનું સામે આવ્યું છે. યોગ્ય સફાઈ અને વ્યવસ્થાના અભાવે લોકો ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર બની રહ્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ગટરનું ગંદુ પાણી અને આસપાસ ફેલાતી ગંદકીના કારણે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે.
સ્થાનિકોએ જણાવ્યું હતું કે,
“ઘણી વખત રજૂઆત કરી છતાં કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. પાલિકા માત્ર વાયદા કરે છે, પરંતુ સફાઈ કામગીરી યોગ્ય રીતે થતી નથી.”
સ્થાનિક રહિશોએ પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર સમક્ષ તાત્કાલિક સફાઈ અભિયાન હાથ ધરી કાયમી ઉકેલ લાવવાની માંગ કરી છે. હવે પાલિકા તંત્ર લોકોની સમસ્યાનો ઉકેલ ક્યારે લાવે છે તેના પર સૌની નજર ટકેલી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
