શંખેશ્વર પંથકના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, યોગ્ય સમાધાનની માંગ

પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકો ના નાનીચંદુર, મેમણા સહિત આશરે પાંચ જેટલા ગામોમાં હાલ વીજ લાઈન પ્રોજેક્ટને લઈને ખેડૂતો અને જેટકો વચ્ચે વિવાદ ઊભો થયો છે. ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન (GETCO) દ્વારા 220 કે.વી. સબ સ્ટેશનથી 66 કે.વી. નાનીચંદુર સબ સ્ટેશન સુધી નવી વીજ લાઈન સ્થાપિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોની ખેતીલાયક જમીનમાં વીજ થાંભલા ઉભા કરવાની પ્રક્રિયા શરૂ થતા ખેડૂતોમાં ભારે અસંતોષ ફેલાયો છે.
ખેડૂતોના જણાવ્યા અનુસાર વીજ લાઈન અને થાંભલા માટે પસંદ કરાયેલ માર્ગ ખેતીને સીધી અસર પહોંચાડે છે. પાકને નુકસાન થવાની સાથે ભવિષ્યમાં જમીન ઉપયોગમાં પણ મુશ્કેલીઓ ઊભી થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે તંત્ર દ્વારા યોગ્ય ચર્ચા કે સહમતિ વિના કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
આ મુદ્દે ગતરોજ મોટી સંખ્યામાં ખેડૂતો પાટણ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. ભારે ગરમી વચ્ચે ખાનગી વાહનો મારફતે ખેડૂતો પાટણ પહોંચ્યા હતા અને પોતાની સમસ્યા તંત્ર સમક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. ખેડૂતોનો આક્ષેપ છે કે રજૂઆત માટે પહોંચ્યા છતાં જવાબદાર અધિકારીઓ અથવા કલેક્ટર દ્વારા રૂબરૂ સાંભળવાની વ્યવસ્થા કરવામાં આવી નહોતી, જેના કારણે ખેડૂતોમાં વધુ રોષ ફેલાયો હતો.
ખેડૂતોનું વધુમાં કહેવું છે કે તેમને આપવામાં આવેલી કેટલીક નોટિસો સહી વિના અને અધૂરી હાલતમાં આપવામાં આવી છે. જેના કારણે નોટિસની કાનૂની માન્યતા અંગે પણ સવાલો ઊભા થયા છે. ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે કે કામગીરી પહેલા ગ્રામજનો અને ખેડૂતો સાથે બેઠક યોજી યોગ્ય સમાધાન લાવવામાં આવે તેમજ ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય આપવામાં આવે.
પંથકમાં હાલ આ મુદ્દે ચર્ચાનો માહોલ ગરમાયો છે અને આગામી દિવસોમાં ખેડૂતો દ્વારા વધુ ઉગ્ર આંદોલન કરવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
