માંડવી ગામની સીમમાં મધરાતે નીલગાયોના ગેરકાયદે શિકારની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. મળતી માહિતી મુજબ અજાણ્યા શિકારીઓએ બંદૂક વડે ફાયરિંગ કરી ત્રણ નીલગાયોને નિશાન બનાવી હતી. ઘટનાના પગલે સ્થાનિકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મધરાતે લગભગ બે વાગ્યાના સમયે ફાયરિંગના અવાજો સંભળાતા ખેડૂતોએ ઘટનાસ્થળ તરફ દોડી જઈ પોલીસને જાણ કરી હતી. પોલીસ પહોંચે તે પહેલાં જ શિકારીઓ અંધારાનો લાભ લઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.

તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી બે કાળા રંગની Hyundai Santro કારોની માહિતી સામે આવી હતી, જેમાંથી એક કાર શિકારીઓ સ્થળ પર જ મૂકી ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે.

વન વિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન એક નીલગાયનું કાપેલું માંસ કારમાંથી મળી આવ્યું હતું, જ્યારે અન્ય બે નીલગાયોના મૃતદેહો પણ કબજે લેવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

વન વિભાગના અધિકારી ડી.એસ. સિંધવે ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે જાગૃત નાગરિકની જાણના આધારે ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને હાલ પુરાવાઓ એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

નીલગાય જેવા વન્ય પ્રાણીઓના વધતા ગેરકાયદે શિકારને લઈને વિસ્તારમાં ચિંતા વ્યાપી છે. હાલ પોલીસ અને વન વિભાગ દ્વારા ફરાર શિકારીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!