મહેસાણા શહેરના મોઢેરા રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ ગતિએ દોડતા આઇવા ટ્રકે એક્ટિવાને ટક્કર મારતા પાછળ બેઠેલા આધેડ મહિલાનું ટ્રકના ટાયર નીચે કચડાઈ જવાથી ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે એક્ટિવા ચલાવી રહેલા તેમના પુત્રને સામાન્ય ઈજાઓ થતાં તેનો આબાદ બચાવ થયો છે. આ મામલે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કથા સાંભળવા જઈ રહેલા મહિલાને મોત મળ્યું
મુળ કચ્છના નખત્રાણા તાલુકાના નેત્રાગામના વતની અને હાલ મહેસાણાના નાગલપુર હાઈવે પર આવેલા સ્વાગત બંગ્લોઝમાં રહેતા શિવમ દિલિપકુમાર પટેલ (ઉં.વ. 20) નાગલપુર કોલેજમાં બી.કોમ.માં અભ્યાસ કરે છે. ગત રોજ 26 મે ના રોજ બપોરના આશરે ત્રણેક વાગ્યાના સુમારે શિવમ તેની માતા ભગવતીબેનને મોઢેરા રોડ પર આવેલી કચ્છ કડવા પાટીદારની વાડીમાં ચાલી રહેલી ભગવત ગીતાની કથામાં મૂકવા માટે પોતાના એક્ટિવા (નંબર GJ-18-CA-3900) પર જઈ રહ્યો હતો. બપોરે સવા ત્રણેક વાગ્યાના સુમારે જ્યારે તેઓ નાગલપુર ગામ તરફથી સ્વામિનારાયણ મંદિર મોઢેરા રોડ બાજુ જતા નળિયાવાળા રોડ પર સુકન બંગ્લોઝના ગેટ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટાટા કંપનીના આઇવા ટ્રક (નંબર GJ-02-BD-5184)ના ચાલકે પોતાનું વાહન એક્ટિવા તરફ દબાવ્યું હતું. ટ્રકે સાઈડમાંથી જોરદાર ટક્કર મારતા શિવમ ડાબી બાજુ રોડની સાઈડમાં પછડાયો હતો.જ્યારે તેની માતા ભગવતીબેન રોડ પર ટ્રકના પાછળના ટાયર નીચે આવી ગયા હતા. મહિલા પર આઈવા ટ્રકનું વ્હિલ ફરી વળતા કમકમાટીભર્યું મોત
આઇવા ટ્રકનું પાછળનું વજનદાર ટાયર ભગવતીબેન પર ફરી વળતા માથાના ભાગથી કમર સુધીનો ભાગ કચડાઈ ગયો હતો અને ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત બાદ શિવમે બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. ભીડ જમા થતાં અકસ્માત સર્જીને આઇવા ટ્રકનો ચાલક વાહન ઘટનાસ્થળે જ મૂકીને નાસી છૂટ્યો હતો. ગભરાયેલા પુત્રએ તાત્કાલિક પોતાના પિતા અને પરિવારજનોને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી.જેથી પરિવાર સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે માતાની લાશનો કબજો મેળવી મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ કરાવ્યા બાદ અંતિમ વિધિ માટે પરિવારને સોંપી હતી. આ અકસ્માતમાં રોડ પર ફેંકાઈ ગયેલા પુત્ર શિવમને જમણા ઢીંચણે સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે માતાના મોત બદલ ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!