ટેક્સના પૈસાનું પાણી!
“પહેલા રોડ-ફૂટપાથ બનાવો, પછી તોડો અને ફરી બનાવો…” – શું આ જ છે ભારતીય જનતા પાર્ટીના શાસકોનું ‘લોંગ વિઝન’?

હિંમતનગરના નાગરિકો પરસેવાની કમાણીમાંથી જે ટેક્સ ભરે છે, તેનો સરેઆમ વ્યય, વહીવટી અણઘડતા અને શાસક પક્ષની નિર્ણયશક્તિના અભાવના જીવતા જાગતા પુરાવા હાલ શહેરમાં ઠેર-ઠેર જોવા મળી રહ્યા છે.
આયોજન વગરનું શાસન અને જનતાની પરેશાની:
૧. ગાયત્રી મંદિર રોડ પર લેવલિંગનો મોટો પ્રશ્ન સોસાયટીઓ ડૂબશે?
ગાયત્રી મંદિર રોડ એ આપણા શહેરનો મુખ્ય હાર્દ સમાન રસ્તો છે. આ રસ્તા પર જનતા આ બીજું ચોમાસું પારાવાર મુશ્કેલીઓ વચ્ચે વિતાવી રહી છે.
હજુ તો ફૂટપાથ અને સ્ટ્રીટ લાઈટની કામગીરી માંડ પૂરી થશે, ત્યાં આ રોડ ઉપર હજુ નવું રોડ કાર્પેટ (નવું લેયર) ચડાવવાનું બાકી છે!
જો રોડ પર નવું લેયર ચડશે, તો રોડ વધુ ઊંચો જશે અને આજુબાજુની તમામ સોસાયટીઓનાં લેવલિંગ આપોઆપ નીચાં થઈ જશે! પરિણામે આગામી ચોમાસામાં સોસાયટીઓમાં મકાનો મા પાણી ભરાવવાની ગંભીર સમસ્યા ઊભી થવાની પૂરેપૂરી સંભાવના છે.
શાસકો અને બાંધકામ વિભાગ પોતાની AC ઓફિસોમાં બેસી રહેવાની જગ્યાએ જરા ગ્રાઉન્ડ ઝીરો પર આવીને સ્થળ સ્થિતિનું નિરીક્ષણ કરે તે જરૂરી છે. ડામર રોડ નું નવું લેયર ચડાવતા પહેલાં સોસાયટીઓના લેવલિંગનો આ ગંભીર પ્રશ્ન હલ કરવામાં આવે, જેથી ચોમાસામાં લોકોના ઘરોમાં પાણી ન ભરાય!
૧. ચોમાસા પહેલાં ‘વૃક્ષારોપણ’ ના નામે ફરી ફૂટપાથ તોડવાની તૈયારી?
આ ખામીયુક્ત અને મોટી ફૂટપાથ પર આગામી ચોમાસામાં ઝાડ ઉગાડવાની વાતો ચાલી રહી છે. સ્થાનિક વેપારીઓ અને નગરજનોના મનમાં અત્યારથી જ ફફડાટ છે કે શું ફૂટપાથ પૂરી થયા પછી ઝાડ રોપવા અને પાંજરા (પ્રોટેક્શન રીંગ) લગાવવા માટે આ લોકો ફરીથી ફૂટપાથ તોડશે?
ચાલુ કામગીરી દરમિયાન જ આ પ્લાનિંગ કેમ નથી કરાતું? વારંવાર તોડફોડ કરીને જનતાના લાખો રૂપિયાનો ધુમાડો કરવાનું બંધ કરો!
૧. ગાયત્રી મંદિર રોડની ખામીયુક્ત ડિઝાઇન
હજી ફૂટપાથ બને છે ત્યાં જ સ્ટ્રીટ લાઈટના થાંભલા નાખવા માટે તાજી બનેલી ફૂટપાથના બ્લોક તોડી નાખવામાં આવ્યા! પહેલાં બ્લોક નાખો, પછી તોડો અને પછી સીસી ફાઉન્ડેશન ભરો – આ કેવું અણઘડ આયોજન?
૧. શંકરનગર સોસાયટી (લક્ષ્મીડેરી ની બાજુમાં)
થોડાક મહિના પહેલાં લાખો ના ખર્ચે નાખેલા બ્લોક રોડનું લેવલિંગ સરખું ન હોવાથી પહેલા જ વરસાદમાં નાગરિકો ના ઘરોમાં પાણી ઘૂસી ગયા. હવે જનતાના જાગૃત થઈ છે આક્રોશ પછી તાબડતોબ એ જ નવા બ્લોક ઉખાડીને ત્યાં વરસાદી લાઈન નાખવાની નોબત આવી છે!
શહેરના મુખ્ય હાર્દ સમાન ગાયત્રી મંદિર રોડની કામગીરીમાં છેલ્લા ઘણા વર્ષોથી આટલી ઢીલ અને અણઘડતા કેમ? શાસક પક્ષમાં નિર્ણય શક્તિનો અભાવ કેમ છે?
શાસકો ક્યારેય સ્થળ પર એન્જીનિયરોની ભૂલો ચેક કરશે ખરા?
એક જ કામ બે-બે વાર તોડીને ફરીથી કરવા પાછળ જનતાના ટેક્સના પૈસા વેડફવાનો અધિકાર તમને કોણે આપ્યો?
આ ભાજપ શાસનની વહીવટી નિષ્ફળતા અને “લોંગ વિઝન” ના અભાવનો ઉત્કૃષ્ટ નમૂનો છે. હિંમતનગરના વેપારીઓ, જનતા અને વિપક્ષ હવે જાગૃત છે અને આ આયોજન વગરના ‘વિકાસ’ ના નામે થતા વિનાશનો હિસાબ જનતા માંગશે
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
