નગરપાલિકા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ-રસ્તાઓની અત્યંત ખરાબ હાલત અને ગટરના ગંદા પાણીના નિકાલની સમસ્યાએ સ્થાનિક નાગરિકોનું જીવન મુશ્કેલ બનાવી દીધું છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનો ભય સતત વધ્યો છે, જ્યારે ગટરના ગંદા પાણી રસ્તાઓ અને રહેણાંક વિસ્તારોમાં ફરી વળતા સમગ્ર વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે. સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર અનેક વખત રજૂઆતો કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

આ સમગ્ર મામલે રાધનપુર નગરસેવક જયાબેન ઠાકોરે તંત્ર સામે આકરા શબ્દોમાં અસંતોષ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે વિસ્તારની પ્રાથમિક સુવિધાઓ અંગે વારંવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે સ્થાનિક નાગરિકો આજે પણ નરકાગાર જેવી સ્થિતિમાં જીવન જીવવા માટે મજબૂર બન્યા છે.

જયાબેન ઠાકોરે જણાવ્યું કે અમારા વોર્ડ -૧માં રોડ-રસ્તાઓની દયનીય સ્થિતિના કારણે રોજિંદા અવરજવરમાં લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, વૃદ્ધો અને મહિલાઓ માટે રસ્તાઓ પર ચાલવું પણ જોખમી બની ગયું છે. વરસાદી મોસમ દરમિયાન ખાડાઓમાં પાણી ભરાઈ જતા અકસ્માતોની શક્યતાઓ વધી જાય છે. બીજી તરફ ગટર વ્યવસ્થાના અભાવે ગંદુ પાણી રસ્તાઓ પર ફરી વળે છે, જેના કારણે મચ્છરો અને અન્ય જીવાતોનો ઉપદ્રવ વધ્યો છે અને ચેપી રોગો ફાટી નીકળવાની ભીતિ ઊભી થઈ છે.

સ્થાનિક રહીશોએ પણ તંત્રની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવ્યા છે. લોકોનું કહેવું છે કે ચૂંટણી સમયે વિકાસના મોટા મોટા વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો વર્ષો સુધી યથાવત રહે છે. અનેક વખત લેખિત અરજીઓ, રજૂઆતો અને મૌખિક ફરિયાદો કરવા છતાં કોઈ સકારાત્મક પરિણામ મળ્યું નથી.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જયાબેન ઠાકોરે તંત્રને 90 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે આગામી 90 દિવસની અંદર રોડ-રસ્તાના સમારકામ અને ગટર વ્યવસ્થાના કાયમી નિરાકરણ માટે કામગીરી શરૂ કરવામાં આવે. જો નિર્ધારિત સમયગાળામાં યોગ્ય પગલાં લેવામાં નહીં આવે, તો સ્થાનિક નાગરિકોને સાથે રાખીને લોકશાહી અને બંધારણીય હક્કોના આધારે ઉગ્ર જનઆંદોલન, ધરણાં, વિરોધ પ્રદર્શન અને અન્ય કાર્યક્રમો યોજવામાં આવશે.

જયા ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે જનતાની સમસ્યાઓનો ઉકેલ લાવવો એ તંત્રની પ્રાથમિક જવાબદારી છે. જો લોકોની પીડા અને મુશ્કેલીઓ પ્રત્યે તંત્ર સંવેદનશીલ નહીં બને, તો આવનારા સમયમાં જનઆક્રોશ વધુ ઉગ્ર બની શકે છે. તેમણે તંત્રને ચેતવણી આપતા કહ્યું કે હવે માત્ર આશ્વાસનો નહીં, પરંતુ જમીન પર દેખાય તેવી કામગીરીની જરૂર છે.

આ નિવેદન બાદ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. સ્થાનિક નાગરિકો હવે તંત્રના આગામી પગલાં પર નજર રાખી રહ્યા છે. જો આગામી દિવસોમાં પ્રશ્નોના ઉકેલ માટે કામગીરી શરૂ નહીં થાય, તો આપ નગરમાં વ્યાપક જનઆંદોલન ઊભું થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

જો જનતાની વેદના તંત્રને સંભળાતી ન હોય, તો જયાબેન ઠાકોર નગરસેવક તરીકે પદ પર રહેવાનો કોઈ અધિકાર નથી. તેથી, આ નિદ્રાધીન તંત્રને જગાડવા માટે હવે આખરી પગલું ભરવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જયાબેન ઠાકોર

જો આગામી 90 દિવસમાં અમારા વિસ્તારના રોડ-રસ્તાનું સમારકામ અને ગટરના પાણીના નિકાલની કાયમી કામગીરી શરૂ કરવામાં નહીં આવે, તો જયાબેન ઠાકોર તંત્રની સામે આત્મવિલોપન કરસે

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!