રાધનપુર તાલુકામાં રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી સામે અનેક સવાલો ઊભા થયા છે. સરકાર દ્વારા અપાત્ર લાભાર્થીઓના રેશનકાર્ડ બંધ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, પરંતુ તાલુકાના વિવિધ ગામોમાંથી મળતી ફરિયાદો મુજબ અનેક જરૂરિયાતમંદ અને પાત્ર પરિવારોના રેશનકાર્ડ પણ બંધ કરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

લાભાર્થીઓના જણાવ્યા મુજબ જમીનની માલિકી, વારસાઈ હક્ક અને સંયુક્ત કુટુંબની મિલકતો અંગે પૂરતી તપાસ કર્યા વિના કાર્યવાહી કરવામાં આવી છે. જેના કારણે ઘણા પરિવારો છેલ્લા ચાર મહિનાથી સરકારી અનાજ અને અન્ય સહાયથી વંચિત રહ્યા છે.

અસરગ્રસ્ત પરિવારોનો આક્ષેપ છે કે તેમના નામે ખેતીલાયક જમીન નથી અથવા માત્ર નાનો વારસાઈ હિસ્સો છે, તેમ છતાં તેમને અપાત્ર ગણાવી રેશનકાર્ડ બંધ કરવામાં આવ્યા છે. બીજી તરફ, કેટલાક મોટા જમીનધારકો અને આર્થિક રીતે સક્ષમ પરિવારોના રેશનકાર્ડ હજુ પણ ચાલુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેના કારણે સમગ્ર પ્રક્રિયાની પારદર્શિતા સામે પ્રશ્નો ઊભા થયા છે.

આ મામલે અનેક લાભાર્થીઓએ તાલુકા પુરવઠા કચેરીમાં લેખિત રજૂઆતો કરી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી હોવા છતાં હજુ સુધી સંતોષકારક ઉકેલ મળ્યો નથી. પરિણામે લાભાર્થીઓમાં અસંતોષ વધી રહ્યો છે.

સ્થાનિક લોકો અને અરજદારોની માંગ છે કે રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી અંગે સ્વતંત્ર તપાસ કરવામાં આવે તેમજ વાસ્તવિક પાત્ર લાભાર્થીઓને તાત્કાલિક ન્યાય આપવામાં આવે. સાથે જ જો કોઈ ભૂલથી રેશનકાર્ડ બંધ થયા હોય તો તેને ફરી શરૂ કરવાની કાર્યવાહી ઝડપથી કરવામાં આવે.

અસરગ્રસ્ત પરિવારો દ્વારા ચેતવણી આપવામાં આવી છે કે જો ટૂંક સમયમાં પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે. ઉપરાંત માહિતી અધિકાર અધિનિયમ (RTI) હેઠળ માહિતી મેળવી સમગ્ર મામલો જિલ્લા કલેક્ટર અને રાજ્યના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂ કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

હાલ સમગ્ર રાધનપુર તાલુકામાં આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે અને પુરવઠા વિભાગની કામગીરી અંગે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!