​જૂનાગઢ શહેર અને જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણના નામે મોટો વેપલો ચાલતો હોવાની આશંકા સેવાઈ રહી હતી, જેનો ગઇકાલે(12 જૂન) દિવ્ય ભાસ્કરની ટીમે સ્ટિંગ ઓપરેશન દ્વારા પર્દાફાશ કર્યો હતો. આ અહેવાલ પ્રસિદ્ધ થતાંની સાથે જ સમગ્ર રાજ્યના શિક્ષણ જગતમાં અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. દિવ્ય ભાસ્કરના અહેવાલની વ્યાપક અસર જોવા મળી હતી અને અહેવાલ જાહેર થતાં જ જૂનાગઢ પોલીસ તાત્કાલિક એક્શન મોડમાં આવી ગઈ હતી, પરંતુ નવાઈની વાત તો એ છે કે ગુજરાત એજ્યુકેશનની ઓફિસ બહાર જે બોર્ડ મારવામાં આવ્યું હતું તેમાં સરકાર માન્ય લખવામાં આવ્યું હતું. ગઇકાલે મોડી રાત સુધી જૂનાગઢ શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલા મેરી ગોલ્ડ કોમ્પ્લેક્સમાં પોલીસે ધામા નાખ્યા હતા અને ત્યાં ધમધમતી ‘ગુજરાત એજ્યુકેશન’ નામની સંસ્થા પર સઘન તપાસ હાથ ધરી હતી, જે કાર્યવાહી મોડી રાત સુધી ચાલુ રહી હતી. ​જ્યારે પોલીસની ટીમ ગુજરાત એજ્યુકેશન નામની આ સંસ્થાની ઓફિસે પહોંચી ત્યારે ત્યાં ભારે નાસભાગ જેવો માહોલ સર્જાયો હતો. ઓફિસમાં કામ કરતો અન્ય સ્ટાફ ઘરે જતો રહ્યો હતો, પરંતુ આ કાળા કારોબારનો મુખ્ય સંચાલક દર્શન મેસવાણિયા ત્યાં જ હાજર મળી આવ્યો હતો. અચાનક પોલીસને પોતાની સામે જોઈને દર્શન મેસવાણિયાના હોશ ઊડી ગયા હતા અને તે ગેંગે ફેફે કરવા લાગ્યો હતો. પોલીસ અધિકારીઓએ જ્યારે તેની પૂછપરછ શરૂ કરી ત્યારે એક પણ સવાલનો યોગ્ય કે સંતોષકારક જવાબ આપી શક્યો નહીં. સંચાલકની આવી શંકાસ્પદ હિલચાલ અને ગલ્લાતલ્લાં જોઈને પોલીસને સમગ્ર મામલે મોટી ગેરરીતિની દ્રઢ શંકા ગઈ હતી, જેના કારણે પોલીસે કાયદાકીય સકંજો વધુ મજબૂત કરીને ઓફિસના ખૂણેખૂણા ફેંદવાનું શરૂ કર્યું હતું. હાલ તો સમગ્ર મામલે SOGને તપાસ સોંપાઈ છે. લગભગ છેલ્લા 15 વર્ષથી આ સંસ્થા કાર્યરત છે અને જેમાં એક વર્ષમાં 1,000થી વધુ વિદ્યાર્થીઓએ એડમિશન લીધા છે. આ વિદ્યાર્થીઓમાંથી કેટલાકે સરકારી નોકરી પણ લઈ લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જો આ મામલે તપાસ થાય તો અનેક મોટા માથાઓના નામ પણ સામે આવી શકે છે. જૂનાગઢ શિક્ષણ વિભાગ અને જૂનાગઢ SOG દ્વારા ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાં ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા કેટલાક વિદ્યાર્થીઓના ઓરીજનલ ડોક્યુમેન્ટ પણ પોલીસના હાથે લાગ્યા છે.એટલું જ નહીં ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાં ઘણા મોબાઈલ સિમકાર્ડ પણ પોલીસના હાથે લાગ્યા છે ત્યારે પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે, સાથે જ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ પણ તપાસના આદેશ આપ્યા છે. ગુજરાત એજ્યુકેશનના સંચાલક દર્શન મેસવાણીયાએ કબૂલ્યુ છે કે સુરેન્દ્રનગર યુનિવર્સિટી, નરસિંહ મહેતા યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સાથે વિદ્યાર્થીઓને પાસ કરાવી દેવાનું તેમનું સેટિંગ છે. કડકમાં કડક કાર્યવાહી થશે: શિક્ષણ મંત્રી
ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ જણાવ્યું કે સોશિયલ મીડિયાના માધ્યમથી જૂનાગઢનો કિસ્સો મારા ધ્યાનમાં આવ્યો, એટલે તરત જ પોલીસ અને શિક્ષણ વિભાગને સાથે રાખી તપાસના આદેશ આપી દીધા છે અને અત્યારે તપાસ કાર્યરત છે. શિક્ષણ સાથે ચેડા કરવાનું આ કૃત્ય ચલાવી લેવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી થશે. ધોરણ 10-12ની માર્કશીટ સહિતના દસ્તાવેજ મળ્યા
​પોલીસના સર્ચ ઓપરેશન દરમિયાન ગુજરાત એજ્યુકેશનની ઓફિસમાંથી અનેક ચોંકાવનારા પુરાવાઓ હાથ લાગ્યા છે. ઓફિસની અંદરથી ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓ અને તાલુકાઓના અસંખ્ય વિદ્યાર્થીઓના ઓરીજનલ દસ્તાવેજો મળી આવ્યા છે, જેમાં ધોરણ 10 અને 12ની અસલી માર્કશીટો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે લિવિંગ સર્ટી અને જન્મના પ્રમાણપત્રો જેવા મહત્વના કાગળોનો મોટો જથ્થો સામેલ છે. એટલું જ નહીં, આ શિક્ષણ માફિયાઓના તાર છેક બીજા રાજ્યો સાથે જોડાયેલા હોવાના પણ શંકા સેવાય રહી છે. પોલીસને તપાસ દરમિયાન ઘણા ઓરીજનલ દસ્તાવેજો હાથે લાગ્યા છે. આ તમામ શંકાસ્પદ સામગ્રીની સાથે પોલીસે પુરાવાનો નાશ ન થાય તે માટે ઓફિસમાં લગાવેલા સીસીટીવી કેમેરાનું ડીવીઆર (DVR), મોબાઈલો અને તમામ ઓરીજનલ દસ્તાવેજો જપ્ત કર્યા છે. ઓફિસમાં સીસીટીવી કેમેરા લાગેલા હોવાથી હવે સંચાલક દર્શન મેસવાણિયા માટે કોઈ પણ પુરાવા છુપાવવા કે તેનો નાશ કરવો અશક્ય બની જશે. વિદ્યાર્થીને પાસ કરાવવાની 100 ટકા લેખિત ગેરંટી
​આ સમગ્ર કૌભાંડની મોડસ ઓપરેન્ડી એટલી હદે પદ્ધતિસરની અને આશ્ચર્યજનક હતી કે શિક્ષણ વ્યવસ્થા લજવાઈ જાય. આ આખા ખેલની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધોરણ 12 પાસ કરેલા એક વિદ્યાર્થીના વાલી પર જૂનાગઢની આ ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થામાંથી એક યુવતીનો ફોન આવ્યો હતો. ફોન પર વાત કરતી યુવતીએ વાલીને લાલચ આપતા સીધું જ જણાવ્યું હતું કે, તમારો દીકરો ધોરણ 12માં પાસ થઈ ગયો છે, તો શું તેને આગળ કોલેજમાં એડમિશન લેવડાવવું છે? જો એડમિશન લેવું હોય તો અમારો સંપર્ક કરજો કારણ કે અમે કોલેજના તમામ પ્રકારના કોર્સ કરાવી આપીએ છીએ અને તેમાં વિદ્યાર્થીને પાસ કરાવવાની 100 ટકા લેખિત ગેરંટી આપીએ છીએ. આ સંસ્થાની ઓફર એટલી હદે ગેરકાયદેસર અને શરમજનક હતી કે વિદ્યાર્થીએ ક્યારેય કોલેજ ભણવા જવાની કે ક્લાસ ભરવાની કોઈ જરૂર જ રહેતી નથી, માત્ર પરીક્ષા આપવા જવાનું રહેશે અને ત્યાં પણ તેને યુનિવર્સિટી તરફથી જ માઇક્રો કોપી પૂરી પાડવામાં આવશે જેમાંથી જોઈને વિદ્યાર્થીએ માત્ર પેપર લખી નાખવાનું રહેશે. સુરેન્દ્રનગરની એક યુનિવર્સિટીમાં પરીક્ષા અપાવતા
​દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઓપરેશન દરમિયાન ઓફિસના એડમિનિસ્ટ્રેશનમાં બેઠેલી યુવતીએ ગ્રાહક બનીને ગયેલા રિપોર્ટર સામે જે ખુલાસા કર્યા હતા તે સાંભળીને કોઈ પણ સામાન્ય નાગરિક સ્તબ્ધ થઈ જાય. આ એડમિન યુવતીએ માહિતી આપતા જણાવ્યું હતું કે જો કોઈ વિદ્યાર્થીને બી.એ. (BA) માં એડમિશન લેવું હોય તો તેની કુલ ફી 35,000 રૂપિયા થશે. આ ડિગ્રી મેળવવા માટે વિદ્યાર્થીએ સુરેન્દ્રનગરની એક યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા માટે જવું પડશે અને ત્યાં પાસ થવાની સંપૂર્ણ જવાબદારી સંસ્થાની રહેશે, કારણ કે પરીક્ષાના સમયે ત્યાં પરીક્ષા કેન્દ્ર પર જ વિદ્યાર્થીઓને ખુલ્લેઆમ માઇક્રો કોપીઓ એટલે કે ચોરી કરવાનું મટીરીયલ પૂરું પાડવામાં આવશે અને તેમાંથી બેઠું જોઈને જ પેપર લખીને પરીક્ષા સરળતાથી પાસ કરી શકાશે. શિક્ષણ માફિયાઓની ગોઠવણ એટલી હદ સુધી પાકી અને સુવિધાજનક હતી કે સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં પાંચ દિવસની પરીક્ષા આપવા માટે જૂનાગઢથી જતાં વિદ્યાર્થીઓ માટે ત્યાં સ્પેશિયલ હોસ્ટેલમાં રોકાવાની વ્યવસ્થા પણ સંસ્થા દ્વારા જ કરવામાં આવતી હતી, જ્યાં એક દિવસના માત્ર 200 રૂપિયાના નજીવા દરે રહેવા અને ઉત્તમ જમવાની સગવડ અપાતી હતી જેથી વિદ્યાર્થીઓને ચોરી કરવામાં કોઈ ખલેલ ન પડે. પૈસા ફેંકો એટલે ધો.10-12 અને કોલેજમાં પાસ થવાની ફુલ ગેરન્ટી, શિક્ષણમંત્રીના સોરઠમાં ચાલતા કાળા કારોબારનો ભાસ્કર સ્ટિંગમાં ખુલાસો યુનિવર્સિટી પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સાથે સેટિંગ
​આ કાળા કારોબારમાં સૌથી ગંભીર અને ચિંતાજનક બાબત એ સામે આવી છે કે યુનિવર્સિટી તરફથી જે પરીક્ષામાં પ્રશ્નો પૂછાવાના હોય છે, તેનું અગાઉથી જ તૈયાર કરેલું જવાબોવાળું મટીરીયલ વિદ્યાર્થીને સીધું હાથમાં આપી દેવામાં આવતું હોવાનો દાવો કરાયો છે. વિદ્યાર્થીઓએ માત્ર એ માઇક્રો કોપી સામે રાખીને ઉત્તરોની નકલ કરીને પોતાના પેપરમાં ઉતારવાના હોય છે. આ શિક્ષણના સોદાગરો એવો ખુલ્લેઆમ દાવો કરતા હતા કે અમારું યુનિવર્સિટી પ્રશાસન અને ઉચ્ચ અધિકારીઓ સાથે સીધું આંતરિક સેટિંગ થયેલું હોવાથી જ અમે સો ટકા પાસ થવાની લેખિત ગેરંટી આપવા સક્ષમ છીએ. પેપરમાં માઇક્રો કોપી આપીને પાસ કરાવવાની ખાતરી અપાતી
આ સંસ્થા માત્ર કોલેજ જ નહીં, પરંતુ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને પણ ગેરકાયદેસર રીતે પાસ કરાવવાનો મસમોટો કારોબાર ચલાવતી હતી. જો કોઈ વિદ્યાર્થીને સેન્ટ્રલ બોર્ડ એટલે કે સીબીએસઈ (CBSE) માંથી ધોરણ 10 પાસ કરવું હોય તો તેની પરીક્ષા જૂનાગઢમાં જ લેવાશે અને તેની ફી 22,000 રૂપિયા નક્કી કરાઈ હતી, જેમાં પાંચેય પેપરમાં માઇક્રો કોપી આપીને પાસ કરાવવાની ખાતરી અપાતી હતી. તેવી જ રીતે ધોરણ 12 આર્ટસ કે કોમર્સ માટે 25,000 રૂપિયા અને સૌથી મુશ્કેલ ગણાતા સાયન્સ પ્રવાહને પાસ કરાવવા માટે 35,000થી લઈને 65,000 સુધીની મસમોટી રકમ વસૂલવામાં આવતી હતી અને આ પરીક્ષાઓ માટે જૂનાગઢ જિલ્લાના જ વંથલી અને શાપુર જેવા પરીક્ષા કેન્દ્રો ગોઠવવામાં આવતા હોવાની વિગતો બહાર આવી છે. સંસ્થાની બહાર લાગેલા ઓફિશિયલ બોર્ડમાં મોટા અક્ષરે ‘સરકાર માન્ય’ લખેલું
​આ સમગ્ર મામલે મોટો સવાલ તો ત્યારે ઉભો થાય છે કે ગુજરાત એજ્યુકેશન નામની સંસ્થાએ પોતાની ઓફિસની બહાર લગાડેલા ઓફિશિયલ બોર્ડમાં મોટા અક્ષરે ‘સરકાર માન્ય’ એવું લખ્યું હતું. સરકાર માન્યતાના ઓઠા હેઠળ આ સંસ્થા ધોરણ 10, 12થી લઈ કોલેજના જુદા જુદા ડિગ્રી અને માસ્ટર કોર્સમાં માઇક્રો કોપીથી ચોરી કરાવીને પાસ કરવાની ગેરંટી આપતા વીડિયો પણ સોશિયલ મીડિયામાં જાહેરાત રૂપે વાઇરલ કરતી હતી. ગઇકાલે દિવ્ય ભાસ્કરના અહેવાલ બાદ સફાળી જાગેલી પોલીસે આ કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી દીધી છે. આ પણ વાંચો: ભણો કે ન ભણો, ડિગ્રી લઈને મોજ કરો! શિક્ષણના મોટા વેપલા પાછળ કોણ?
પોલીસ અધિકારીઓ હવે એ દિશામાં તપાસ કરી રહ્યા છે કે આ શિક્ષણના મોટા વેપલા પાછળ કયા મોટા માથાઓ, શિક્ષણ વિભાગના અધિકારીઓ કે પછી કોઈ મોટા રાજકારણીઓ સંડોવાયેલા છે કે કેમ? કારણ કે યુનિવર્સિટી અને બોર્ડના આંતરિક સેટિંગ વગર આટલું મોટું કૌભાંડ આટલા લાંબા સમય સુધી ચાલવું અશક્ય છે. હાલ તો પોલીસની આ આકરી કાર્યવાહી અને તપાસના પગલે જૂનાગઢ સહિત સમગ્ર પંથકમાં શિક્ષણનો કાળો કારોબાર કરતા શિક્ષણ માફિયાઓ અને નકલી સંસ્થાઓના સંચાલકોમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. આ પણ વાંચો: 45 લાખ રૂપિયામાં ડૉક્ટર બનાવી દેવાની આપી ગેરંટી

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!