નિરોણા ગામના વાંઢા વાસ વિસ્તારમાં રહેતા અને શાળાએ ન જતા બાળકોને શિક્ષણના મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે એકતા સહારા સેવા ગ્રુપ દ્વારા સરાહનીય પહેલ હાથ ધરવામાં આવી છે. ગ્રુપના પ્રયાસોથી 13થી 14 જેટલા દીકરા-દીકરીઓને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો છે.

બાળકોના અભ્યાસ માટે જરૂરી શૈક્ષણિક સામગ્રી જેવી કે સ્કૂલ બેગ, કંપાસ, નોટબુક, બોલપેન તથા અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યમાં દાતાશ્રી વી. એન. બારા (ભાવના કન્સ્ટ્રક્શન) દ્વારા સહયોગ આપવામાં આવ્યો હતો, જ્યારે બાળકોના સ્કૂલ ડ્રેસ માટે નિરોણા ગામના સરપંચ શ્રી એન. ટી. આહીર દાતાશ્રી તરીકે જોડાયા હતા.
એકતા સહારા સેવા ગ્રુપ દ્વારા બંને દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ બાળકોના વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા તથા તેમને શાળાએ મૂકવા-લાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા જેથી બાળકો નિયમિત શિક્ષણ મેળવી શકે.
આ પ્રસંગે કુમાર અને કન્યા શાળાના આચાર્યશ્રીઓ તેમજ એસ.એમ.સી. કમિટીએ પણ આ પહેલને આવકારી હતી અને બાળકોના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી.
શિક્ષણ ક્ષેત્રે કરવામાં આવેલી આ માનવતાભરી પહેલ ગામમાં પ્રશંસાનો વિષય બની છે.
The Gujarat Live News અહેવાલ વિપુલ ચૌધરી રાધનપુર
