સાંતલપુરને પૂર્ણ તાલુકાનો દરજ્જો અપાવવા અને વિસ્તારને વધુ સારી વહીવટી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના મુદ્દે સાંતલપુર–વારાહી તાલુકા પુનઃરચના સંઘર્ષ સમિતિ દ્વારા તા:૨ જુલાઈ ના રોજ સાંજે વૌવા ગામના ચોકમાં જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સભામાં સમિતિના મુખ્ય કન્વીનર ભરતભાઈ આહીરે હાજરી આપી હતી. તેમની સાથે કારોબારી સભ્યો નારણભાઈ પરમાર, ભરતભાઈ ભીમાભાઈ આહીર, દેવાયતભાઈ આહીર અને દેવાભાઈ મલાભાઈ આહીર પણ ઉપસ્થિત રહ્યા હતા.
સભાને સંબોધતા કારોબારી સભ્ય દેવાયતભાઈ આહીરે તાલુકા પુનઃરચનાની માંગ અંગે ગ્રામજનોને માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે પૂર્ણ તાલુકાનો દરજ્જો ન મળવાને કારણે વિસ્તારના લોકોને વિવિધ વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આથી આ માંગને સફળ બનાવવા માટે વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરી હતી.
મુખ્ય કન્વીનર ભરતભાઈ આહીરે આગામી કાર્યક્રમો અને સમિતિની રણનીતિ અંગે માહિતી આપતાં જણાવ્યું કે તાલુકાના દરજ્જાની માંગને લઈને જનજાગૃતિ અભિયાન વધુ તેજ બનાવવામાં આવશે. તેમણે ગ્રામજનોને આ અભિયાનમાં સહભાગી બનવા અનુરોધ કર્યો હતો.
સભાના અંતે વૌવા ગામના ગ્રામજનોએ સમિતિની રજૂઆતને સમર્થન આપતાં તાલુકાના દરજ્જાની માંગ માટે સહકાર આપવાની ખાતરી વ્યક્ત કરી હતી.
સમિતિના જણાવ્યા મુજબ તાલુકા પુનઃરચના અંગે જનજાગૃતિ માટે આગામી દિવસોમાં અન્ય ગામોમાં પણ આવી બેઠકો અને સભાઓ યોજવામાં આવશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
