CCTV અને બાતમીના આધારે બે આરોપી ઝડપાયા, રૂ.52 હજારનો 350 કિલો વાયર જપ્ત
ગાંધીધામના હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં આવેલા PGVCLના FTZ ઝોન પાવર હાઉસના સ્ટોર યાર્ડમાંથી થયેલી વાયર ચોરીનો ભેદ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે CCTV ફૂટેજ અને ચોક્કસ બાતમીના આધારે બે આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી રૂ.52 હજારની કિંમતનો અંદાજે 350 કિલોગ્રામ સ્ક્રેપ કંડક્ટર વાયર જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, આશરે દસ દિવસ અગાઉ અજાણ્યા શખ્સો પાવર હાઉસના કમ્પાઉન્ડની દિવાલ કૂદીને સ્ટોર યાર્ડમાં પ્રવેશ્યા હતા. ત્યાં રાખવામાં આવેલ સ્ક્રેપ કંડક્ટર વાયરની ચોરી કરીને શખ્સો ફરાર થઈ ગયા હતા. આ અંગે ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
પોલીસે CCTV ફૂટેજની તપાસ કરી તેમજ બાતમીદારોને સક્રિય કર્યા હતા. દરમિયાન મળેલી ચોક્કસ માહિતીના આધારે પોલીસે મુસ્તાક ઉર્ફે મુસલી કાસમ સોઢા (ઉં.28, રહે. સોઢાવાસ, ખારીરોહર, ગાંધીધામ) અને રાજેશ રાજુભાઈ દેવીપૂજક (ઉં.31, રહે. અંતરજાળ, આદિપુર, ગાંધીધામ)ને ઝડપી પાડ્યા હતા.

પોલીસ પૂછપરછ દરમિયાન બંને આરોપીઓએ વાયર ચોરીમાં સંડોવણી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેમની પાસેથી ચોરીમાં ગયેલો 350 કિલોગ્રામ સ્ક્રેપ કંડક્ટર વાયર કબજે કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ.52,000 થાય છે.
આ ગુનામાં અન્ય બે આરોપીઓ ઉમર કાસમ ચાવડા, રહે. કિડાણા અને સિરાજ પઠાણ, રહે. આદિપુર પણ સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. બંને આરોપીઓ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમને ઝડપી પાડવા માટે પોલીસે વધુ તપાસ અને શોધખોળ હાથ ધરી છે.
પોલીસ તપાસમાં ઝડપાયેલા આરોપી મુસ્તાક ઉર્ફે મુસલી કાસમ સોઢા સામે અગાઉ પણ ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સરકારી કર્મચારી પર હુમલો તેમજ ઘરફોડ ચોરીના પ્રયાસ સહિતના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે.
ગાંધીધામ ‘બી’ ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ અને બાતમીના આધારે દસ દિવસમાં વાયર ચોરીનો ભેદ ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડતા અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટેની કાર્યવાહી તેજ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
