ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
રાધનપુર શહેરમાં ડૉ. પ્રવિણ તોગડિયાની ઉપસ્થિતિને પગલે રવિવારે ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે ૪ વાગ્યે ઐતિહાસિક ગાયત્રી મંદિરથી શરૂ થયેલી રેલી ગાંધી ચોક ખાતે પહોંચી હતી. રેલી દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો તથા સ્થાનિક આગેવાનો જોડાતા શહેરમાં ઉત્સાહભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
રેલી દરમિયાન વિવિધ સ્થળોએ “જય શ્રી રામ”ના નારા લગાવવામાં આવ્યા હતા. ડૉ. પ્રવિણ તોગડિયાના આગમનને લઈને સ્થાનિક કાર્યકરો અને નાગરિકોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો. રેલી બાદ ગાંધી ચોક ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સ્થાનિક આગેવાનો દ્વારા ડૉ. તોગડિયાનું સાફો પહેરાવી, કંકુ તિલક કરી અને સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. ગૌસેવા અને સનાતન સંસ્કૃતિ પ્રત્યેની લાગણી વ્યક્ત કરતાં તેમને ગાય માતાની મૂર્તિ પણ અર્પણ કરવામાં આવી હતી.
ગાંધી ચોક ખાતેના સંબોધનમાં ડૉ. તોગડિયાએ હિન્દુ સમાજમાં એકતા, સંસ્કાર અને સંગઠનને મજબૂત બનાવવા અંગે વાત કરી હતી. યુવાઓને ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડવા માટે દર શનિવારે રાત્રે ગામેગામ હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરવા તેમણે આહવાન કર્યું હતું.
સાથે જ તેમણે સમાજના જરૂરિયાતમંદ પરિવારો, ગરીબોને અનાજની ઉપલબ્ધતા તથા લોકોના સ્વાસ્થ્ય જેવા સામાજિક મુદ્દાઓને પણ મહત્વ આપ્યું હતું. સેવા અને સંસ્કાર સાથે સમાજને આગળ વધારવાનો સંદેશ તેમણે આપ્યો હતો.
રાધનપુર પ્રવાસ દરમિયાન ડૉ. તોગડિયાએ સ્થાનિક જૈન મંદિરની મુલાકાત લઈ જૈન મુનિઓના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન ધાર્મિક અને સામાજિક વિષયો અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી.
વિશાળ રેલીને ધ્યાનમાં રાખીને રાધનપુર પોલીસ દ્વારા સુરક્ષાની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી. DySP શ્રી કૃણાલસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ રેલીના માર્ગ અને સભા સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થાના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો હતો.
The Gujarat Live News અહેવાલ : કિરણ કે રાવળ રાધનપુર
