86 ફ્રેમમાં સચવાયો ઇતિહાસ અને સંસ્કૃતિનો વારસો, યુવા પેઢીને ફિલેટેલી સાથે જોડવાનો પ્રયાસ

પાટણ જિલ્લાના ઇતિહાસ, કલા, સંસ્કૃતિ અને વિરાસતને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉદ્દેશ સાથે સિદ્ધપુરની ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાના દ્વિ-દિવસીય ટપાલ ટિકિટ પ્રદર્શન ‘પાટણપેક્સ-2026’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાત ક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂત દ્વારા દીપ પ્રાગટ્ય તથા રિબન કાપીને પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

પ્રદર્શનના શુભારંભ પ્રસંગે પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવે જણાવ્યું હતું કે ટપાલ ટિકિટ કદમાં નાની હોવા છતાં તેની પાછળ ઇતિહાસ અને સંસ્કૃતિની મોટી કહાની છુપાયેલી હોય છે. વિશ્વના વિવિધ દેશોની સંસ્કૃતિ, મહાન વ્યક્તિત્વો, ઐતિહાસિક ઘટનાઓ અને વૈજ્ઞાનિક સિદ્ધિઓને ટપાલ ટિકિટોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવામાં આવે છે.

તેમણે જણાવ્યું કે આજના ડિજિટલ યુગમાં યુવાનોનો મોબાઈલ અને સોશિયલ મીડિયા તરફનો ઝોક વધી રહ્યો છે ત્યારે ફિલેટેલી જેવી પ્રવૃત્તિ યુવા પેઢીને જ્ઞાન અને સર્જનાત્મકતા સાથે જોડવાનું અસરકારક માધ્યમ બની શકે છે. ખાસ કરીને Gen-Z અને Gen-Alpha પેઢીને ભારતની સમૃદ્ધ વિરાસતથી પરિચિત કરાવવા માટે આવા પ્રદર્શનો મહત્વપૂર્ણ છે.

પાટણની ઐતિહાસિક ઓળખને વિશેષ સ્થાન

‘પાટણપેક્સ-2026’નું સૌથી મહત્વનું આકર્ષણ પાટણની ઐતિહાસિક વિરાસતને સમર્પિત વિશેષ કવર રહ્યું હતું. ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ‘પાટણની વિરાસત’ના વિશેષ કવરમાં રાણી કી વાવ, રુદ્ર મહાલય, બિંદુ સરોવર, સહસ્ત્રલિંગ તળાવ અને વિશ્વપ્રસિદ્ધ પાટણના પટોળાને સ્થાન આપવામાં આવ્યું છે.

આ ઉપરાંત ગાંધી આશ્રમ અને ઝીલિયા અંગેના વિશેષ કવર તથા વિશેષ વિરૂપણનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. પાટણની રાણી કી વાવ તથા પટોળા જેવી ઐતિહાસિક-સાંસ્કૃતિક ઓળખ અગાઉથી જ ભારતીય ટપાલ ટિકિટોમાં સ્થાન મેળવી ચૂકી છે.

‘ટપાલ ટિકિટ ઇતિહાસ સાથે જોડે છે’

સિદ્ધપુરના ધારાસભ્ય બળવંતસિંહ સી. રાજપૂતે જણાવ્યું હતું કે ફિલેટેલી ઇતિહાસ અને વર્તમાન વચ્ચેનું સુંદર જોડાણ છે. એક ટપાલ ટિકિટ કોઈ સ્થળ, વ્યક્તિ, ઘટના કે સંસ્કૃતિની ઓળખને લાંબા સમય સુધી જીવંત રાખી શકે છે. પાટણ જેવા ઐતિહાસિક જિલ્લામાં પ્રથમ વખત જિલ્લા કક્ષાનું આવું આયોજન થવું ગૌરવની બાબત છે.

ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડૉ.) એમ. એસ. રાવે પણ વિદ્યાર્થીઓ માટે ફિલેટેલીના શૈક્ષણિક મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમના જણાવ્યા મુજબ ટપાલ ટિકિટોના સંગ્રહથી વિદ્યાર્થીઓને વિવિધ ઐતિહાસિક અને જ્ઞાનવર્ધક વિષયો જાણવાની તક મળે છે.

86 ફ્રેમમાં દેશ-વિદેશનો સંગ્રહ

પ્રદર્શનમાં દેશ-વિદેશની વિવિધ ટપાલ ટિકિટો અને ફિલેટેલિક સામગ્રીની કુલ 86 ફ્રેમ રજૂ કરવામાં આવી છે. ઇતિહાસ, સંસ્કૃતિ, કલા, સ્થાપત્ય, સ્વાતંત્ર્ય સંગ્રામ, મહાન વ્યક્તિત્વો, વિજ્ઞાન, ટેકનોલોજી, રમતગમત અને અન્ય વિવિધ વિષયોને આવરી લેતી ટપાલ ટિકિટો મુલાકાતીઓનું ધ્યાન ખેંચી રહી છે.

પાટણ મંડળના ટપાલઘર અધિક્ષક આર. એ. ગોસ્વામીએ જણાવ્યું હતું કે પ્રદર્શન 5 અને 6 ઓક્ટોબર દરમિયાન સવારે 10:30થી સાંજે 6 વાગ્યા સુધી જાહેર જનતા માટે ખુલ્લું રહેશે.

પ્રદર્શન સાથે વિદ્યાર્થીઓ માટે પત્રલેખન, પ્રશ્નોત્તરી અને ટપાલ ટિકિટ ડિઝાઇન સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ માટે ‘માય સ્ટેમ્પ’ કાઉન્ટરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જ્યાં પોતાની અથવા સ્વજનોની તસવીર સાથે ટપાલ ટિકિટ બનાવડાવી શકાય છે.

કાર્યક્રમમાં ટપાલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, ફિલેટેલિસ્ટો, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટીના પ્રોફેસરો તથા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ‘પાટણપેક્સ-2026’ દ્વારા પાટણની ઐતિહાસિક ઓળખને ટપાલ ટિકિટોના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવાનો અનોખો પ્રયાસ હાથ ધરાયો છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!