ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દૂરંદેશી દેન સમાન ૧૦૮ માત્ર એમ્બ્યુલન્સ નહીં, પણ હોસ્પિટલ પહોંચતા પહેલાંની જીવનરક્ષક સારવાર

તાલીમબદ્ધ EMTs દ્વારા એમ્બ્યુલન્સમાં જ ૬૧ સફળ પ્રસુતિઓ કરાવીને માતા અને બાળક બંનેના જીવ બચાવાયા

કચ્છમાં અત્યારસુધી કુલ ૬.૯૫ લાખથી વધુ ઈમરજન્સી કેસોના સંચાલન સાથે ૧૦૮ સેવાએ ૬.૯૨ લાખથી વધુ કિંમતી જિંદગીઓ બચાવી

જીવન અને મૃત્યુ વચ્ચે જંગ ખેલાતો હોય ત્યારે દરેક સેકન્ડ અમૂલ્ય બની જાય છે. જ્યારે પરિવાર પર આફત આવી પડે અને દર્દી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાતો હોય, ત્યારે દૂરથી સંભળાતી ૧૦૮ એમ્બ્યુલન્સની સાયરન નવજીવનની આશા બનીને આવે છે. કચ્છના રણથી લઈને દરિયાકાંઠા સુધી અને શહેરથી લઈને છેવાડાના ગામડા સુધી, ગુજરાત સરકારની ૧૦૮ ઈમરજન્સી મેડિકલ સર્વિસ આજે હજારો પરિવારો માટે સંકટ સમયની સંગાથી અને જીવાદોરી બની ગઈ છે.

હાઈવે પર સર્જાયેલો ગમખ્વાર અકસ્માત હોય, અચાનક આવેલો હાર્ટ એટેક હોય કે પછી પ્રસુતાની વેદનાથી તડપતી માતા હોય – આવી દરેક પરિસ્થિતિમાં ૧૦૮નો એક કોલ એટલે જીવન બચાવવા માટે દોડી આવતી મદદ. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તા. ૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ ઈમરજન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (EMRI) સંસ્થા સાથે મળીને આ સેવાની શરૂઆત કરાવી હતી. જેણે આરોગ્ય સેવાઓમાં અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે. આજે ગુજરાતની આરોગ્ય સેવાનું ચિત્ર જ બદલાઈ ગયું છે. આ સેવા કોઈપણ ચાર્જ વગર અને સતત ૨૪ કલાક ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સ માત્ર વાહન નથી, પણ ફરતું દવાખાનું છે, જેમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થતા પહેલા જ કુશળ સ્ટાફ દ્વારા પ્રાણરક્ષક પ્રી-હોસ્પિટલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેથી અત્યંત ગરીબ વ્યક્તિ પણ આર્થિક ચિંતા વિના યોગ્ય સમયે ઉત્તમ સારવાર મેળવી શકે.

આ અંગે માહિતી આપતા કચ્છના ૧૦૮ પ્રોજેક્ટ મેનેજરશ્રી ડો. ભંવરલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છ જેવા વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ૧૦૬ એમ્બ્યુલન્સનો કાફલો દિવસ-રાત સેવારત છે. આ કાફલામાં સામાન્ય એમ્બ્યુલન્સ ઉપરાંત ICU On Wheels, વેન્ટિલેટર અને મલ્ટી પેરા મોનિટરથી સજ્જ એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને નવજાત શિશુઓ માટે ખાસ ડિઝાઈન કરાયેલી નિયો-નેટલ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે.

૧૦૮ સેવાની તત્પરતાનો અંદાજ તેના આંકડા પરથી લગાવી શકાય છે. માત્ર ઓગસ્ટ-૨૦૨૬ મહિનામાં જ કચ્છ જિલ્લામાં કુલ ૫૮૫૭ ઈમરજન્સી કેસોનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ૫૮૪૦ મેડિકલ ઈમરજન્સી, ૧૬ પોલીસ અને ૧ આગની ઈમરજન્સીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન ૫૪૭૯ લાભાર્થીઓને મદદ પહોંચાડવામાં આવી હતી, જેમાંથી ૬૬૫ જેટલા લોકોના જીવ ગંભીર પરિસ્થિતિમાં બચાવી લેવાયા હતા. મુખ્ય તબીબી કટોકટીઓમાં ૨૦૮૩ પ્રસુતિ સંબંધી કેસ, ૬૦૫ માર્ગ અકસ્માત અને ટ્રોમા, ૨૩૬ હૃદયરોગ અને ૩૪૫ શ્વાસની તકલીફના કેસ નોંધાયા હતા.

સૌથી ગૌરવની વાત એ છે કે, અમારા તાલીમબદ્ધ EMTs દ્વારા એમ્બ્યુલન્સમાં જ ૬૧ સફળ પ્રસુતિઓ કરાવીને માતા અને બાળક બંનેના જીવ બચાવાયા હતા. ૪૫૬૫૨ ચોરસ કિમીના વિશાળ વિસ્તારમાં સરેરાશ માત્ર ૧૧ મિનિટ ૩૯ સેકન્ડના પ્રતિભાવ સમય સાથે સેવા પહોંચાડવામાં આવી હતી. શરૂઆતથી અત્યાર સુધીમાં કચ્છમાં કુલ ૬.૯૫ લાખથી વધુ ઈમરજન્સી કેસો હાથ ધરવામાં આવ્યા છે અને ૬.૯૨ લાખથી વધુ કિંમતી જિંદગીઓ બચાવવામાં આવી છે.

૧૦૮ની સૌથી મોટી વિશેષતા એ છે કે તે માત્ર દર્દીને લઈ જતું વાહન નથી. એમ્બ્યુલન્સમાં હાજર ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMT) દ્વારા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના તબીબોના માર્ગદર્શન હેઠળ દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ સારવાર શરૂ કરી દેવામાં આવે છે. ‘ગોલ્ડન અવર’ તરીકે ઓળખાતી આ કિંમતી મિનિટોમાં અપાતી સારવાર જ ઘણીવાર દર્દીના જીવનનો નિર્ણય કરે છે.

આમ, કચ્છના હજારો પરિવારો માટે ૧૦૮ એ માત્ર સરકારી યોજના નથી, પરંતુ અડધી રાતે એક ફોન પર દોડી આવતો વિશ્વાસ છે, ગભરાટની ક્ષણોમાં હિંમત આપતો સાથ છે અને જીવનને બીજી તક આપતી જીવાદોરી છે.

The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!