સરપંચ અને તલાટી સામે નાણાકીય ગેરરીતિથી લઈ સરકારી જમીનના ઉપયોગ સુધીના આક્ષેપો; DDO સમક્ષ લેખિત રજૂઆત
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
![]()
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના વ્રજવાણી ગામની ગ્રામ પંચાયતના વહીવટને લઈને ગંભીર આક્ષેપો સાથે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત ફરિયાદ કરવામાં આવતા સ્થાનિક સ્તરે ચર્ચા શરૂ થઈ છે. ગામના નાગરિક કાર્તિક રાજગોર દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં ગ્રામ પંચાયતની કામગીરી, સરકારી ગ્રાન્ટના ઉપયોગ, વિકાસ કામોના દસ્તાવેજો, ગ્રામસભાની પ્રક્રિયા તેમજ સરકારી જમીન અને તળાવને લગતા અનેક મુદ્દાઓની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં સરપંચ અને તલાટી-કમ-મંત્રીની કામગીરી અંગે વિવિધ સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અરજદાર દ્વારા જણાવ્યા મુજબ, પંચાયતના કેટલાક કામો અને નાણાકીય વ્યવહારોમાં નિયમિત પ્રક્રિયાનું પાલન થયું છે કે નહીં તેની તપાસ જરૂરી છે. ફરિયાદ સાથે ડિજિટલ પુરાવા તથા ફોટોગ્રાફ્સ રજૂ કરવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
15મા નાણાંપંચની ગ્રાન્ટ અંગે તપાસની માંગ
રજૂઆતમાં કેન્દ્ર સરકારની 15મા નાણાંપંચની ગ્રાન્ટ હેઠળ હાથ ધરવામાં આવેલા અથવા દર્શાવવામાં આવેલા કામોને લઈને પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદીનો આક્ષેપ છે કે કેટલાક કામો માટે જરૂરી ગ્રામસભાના ઠરાવ અને મંજૂરીની પ્રક્રિયા અંગે તપાસ થવી જોઈએ. કાગળ પર દર્શાવાયેલા કામો અને વાસ્તવિક સ્થળ પર થયેલી કામગીરી વચ્ચે કોઈ તફાવત છે કે કેમ તે અંગે પણ સ્થળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
અરજદારે પંચાયતના ખર્ચના તમામ બિલ, વાઉચર, ઠરાવ, માપપોથી તથા ચુકવણીના રેકોર્ડની ચકાસણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
સફાઈ ટ્રેક્ટર અને ડીઝલ ખર્ચ પણ તપાસના ઘેરામાં
ગામની સફાઈ માટે ઉપલબ્ધ સરકારી ટ્રેક્ટરના ઉપયોગ અંગે પણ ફરિયાદમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદીનો દાવો છે કે ટ્રેક્ટરનો ઉપયોગ સરકારી હેતુ સિવાય અન્ય કામોમાં થયો હોવાની તપાસ જરૂરી છે. સાથે જ ટ્રેક્ટરની લોગબુક, ડીઝલના બિલો અને વાહનના વાસ્તવિક ઉપયોગની ચકાસણી કરવાની માંગ કરવામાં આવી છે.
ગામની સફાઈ કામગીરી માટેના કર્મચારીઓની હાજરી અને તેમને ચૂકવાયેલા પગાર અંગે પણ રજૂઆતમાં શંકા વ્યક્ત કરવામાં આવી છે. વાસ્તવિક હાજરી, કામગીરી અને ચુકવણીના રેકોર્ડની સરખામણી કરીને તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
ગ્રામસભાની પ્રક્રિયા સામે પણ સવાલો
વ્રજવાણી ગ્રામ પંચાયતની ગ્રામસભા અંગે ફરિયાદમાં ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. અરજદારના જણાવ્યા મુજબ, ગ્રામસભાની નોટિસ આપવાની પદ્ધતિ અને બેઠક બોલાવવાની પ્રક્રિયાની તપાસ થવી જોઈએ. કેટલાક પ્રસંગોએ ખૂબ ઓછા સમયના અંતરે ગ્રામસભા બોલાવવામાં આવી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સત્તાવાર ઠરાવબુકના બદલે અન્ય કાગળો પર સહીઓ લેવામાં આવી હોવાના આક્ષેપ સાથે સમગ્ર દસ્તાવેજી પ્રક્રિયાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. ફરિયાદી દ્વારા પંચાયતના મૂળ રેકોર્ડ સુરક્ષિત રાખી સ્વતંત્ર અધિકારી મારફતે તેની ચકાસણી કરવાની રજૂઆત કરવામાં આવી છે.
તળાવ અને સરકારી જમીન અંગે પણ ફરિયાદ
વ્રજવાણી ગામના જાહેર તળાવને લઈને પણ ફરિયાદમાં મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. તળાવની હદમાં કથિત બાંધકામ અથવા દબાણ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરી સંબંધિત સરકારી રેકોર્ડ અને સ્થળની હદની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
તેમજ પંચાયતની નવી કચેરીના બાંધકામ માટે જરૂરી માટી અંગે પણ ફરિયાદમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. ફરિયાદીનો આક્ષેપ છે કે તળાવ અને સ્મશાન વિસ્તારની સરકારી જમીનમાંથી પરવાનગી વિના માટી ઉપાડવામાં આવી હોવાની બાબતની તપાસ થવી જોઈએ. બાંધકામના કોન્ટ્રાક્ટર દ્વારા માટી માટે કરવામાં આવેલા ખર્ચ અને વાસ્તવમાં માટી ક્યાંથી લાવવામાં આવી હતી તેની પણ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
જૂના પંચાયત સામાન અને વિકાસ કામોની તપાસની માંગ
જૂની પંચાયત કચેરીમાં રહેલા સામાનના નિકાલ અંગે પણ ફરિયાદમાં પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સામાનની હરાજી અથવા નિયમિત પ્રક્રિયા કરવામાં આવી હતી કે નહીં તેની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
ગામમાં ગટર અને પાણીની લાઈનોના કામોમાં વપરાયેલા મટીરીયલની ગુણવત્તા, કામની વાસ્તવિક સ્થિતિ અને ચૂકવાયેલા બિલોની ચકાસણી કરવાની પણ રજૂઆત કરવામાં આવી છે. વિકાસ કામો માટે મંજૂર થયેલી રકમ સામે જમીન પર કેટલું કામ થયું છે તે અંગે સ્થળ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
રેકોર્ડની તપાસ અને જવાબદારી નક્કી કરવાની માંગ
ફરિયાદી કાર્તિક રાજગોરે DDO સમક્ષ રજૂઆત કરી પંચાયતના તમામ નાણાકીય અને વહીવટી રેકોર્ડની તપાસ કરવાની માંગ કરી છે. જેમાં ઠરાવબુક, ગ્રામસભાની કાર્યવાહી, બિલ-વાઉચર, લોગબુક, હાજરી પત્રકો, ડીઝલ ખર્ચ, વિકાસ કામોના દસ્તાવેજો તથા સરકારી જમીન સંબંધિત રેકોર્ડની ચકાસણીનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત સમગ્ર મામલે સક્ષમ વિભાગ દ્વારા તપાસ હાથ ધરી જો કોઈ નિયમભંગ અથવા નાણાકીય ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં પંચાયતના વહીવટ અંગે કરવામાં આવેલા આક્ષેપોની તપાસ વિજિલન્સ અને ઓડિટ વિભાગ મારફતે કરાવવા તથા જરૂરી હોય તો રેકોર્ડની સુરક્ષા માટે તાત્કાલિક પગલાં ભરવા પણ રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
તંત્રની તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે
વ્રજવાણી ગ્રામ પંચાયત અંગે થયેલી આ ફરિયાદમાં અનેક ગંભીર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા છે. જોકે ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપો હાલ અરજદારની રજૂઆત પર આધારિત છે. આ આક્ષેપોની સત્યતા અંગે સંબંધિત સરકારી વિભાગ દ્વારા તપાસ અને ચકાસણી થયા બાદ જ હકીકત સ્પષ્ટ થઈ શકશે.
હવે જિલ્લા વિકાસ અધિકારી તથા સંબંધિત તંત્ર દ્વારા ફરિયાદમાં રજૂ કરાયેલા મુદ્દાઓ અંગે શું તપાસ હાથ ધરવામાં આવે છે અને તપાસના અંતે શું હકીકત સામે આવે છે તેના પર સ્થાનિક લોકોની નજર રહેશે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

