‘રોજનું 12 કલાક કામ કરવું પડે છે અને સમયસર પગાર પણ મળતો નથી. સળંગ 30 દિવસ કામ કરી બીમારી કે થાકના કારણે રજા લઈએ તો પગાર કપાઈ જાય છે. સાત-આઠ મહિના બાદ ગામડે જવાની રજા માગી તો શેઠે પગાર રોકી લીધો અને ગેટની બહાર કાઢી મુક્યો. અઠવાડિયામાં એક રજાની માગ કરનાર 250થી 300 લોકોને શેઠે નોકરી પરથી કાઢી મુક્યા. મજૂરોને દબાવવામાં આવી રહ્યાં છે અને પોલીસ સહિતના વિભાગો પાસેથી માત્ર ખોટો દિલાસો જ મળી રહ્યો છે, એટલે વતન જઈ રહ્યાં છીએ. હવે શેઠને જરૂર હશે ને બોલાવશે તો આવીશું….’ આ શબ્દો છે સુરતથી લાચારી અને ભારે હૈયે પોતાના વતન યુપી-બિહાર જતાં શ્રમિકોના. સાપ્તાહિક રજાની માગ અને પગાર કપાત સહિત કારખાના માલિકો દ્વારા કરવામાં આવતા શોષણના વિરુદ્ધમાં શરૂ થયેલું ‘ગાંવ ચલો આંદોલન’ તેજ બન્યું છે. સુરત શહેર અને જિલ્લાના મળીને અંદાજે 10 લાખથી વધુ શ્રમિકો આ આંદોલનમાં જોડાયા છે. આજે મોટી સંખ્યામાં મજૂરો વતન જલાં રેલવે સ્ટેશનો પર પહોંચતા લાંબી લાઈનો લાગી હતી. અહીં શ્રમિકોએ દિવ્ય ભાસ્કરને પોતાની વેદના અને શેઠ દ્વારા કરવામાં આવતા શોષણ અંગે જણાવ્યું હતું. સુરત રેલવે સ્ટેશનની ભીડના દૃશ્યો માત્ર દિલાસો આપે છે, પાછળથી કોઈ વાત સાંભળતું નથીઃ પ્રેમચંદ્રા
વતન અયોધ્યા પરત ફરી રહેલા શ્રમિક પ્રેમચંદ્રાએ લાચારી અને પીડા વર્ણવતા કહ્યું કે, અઠવાડિયામાં રવિવારની એક છુટ્ટી મળવી જોઈએ, પરંતુ રજા આપવામાં આવતી નથી. જો કારીગરો રજા માગે છે તો માલિકો શરૂઆતમાં હા પાડીને બે અઠવાડિયા છુટ્ટી આપે છે અને પછીથી પોતાની વાત પરથી ફરી જઈને જૂની સિસ્ટમ ચાલુ કરી દે છે. રજા લો તો પગાર કપાય છે: કારીગરોની આર્થિક ભીંસ
પરિવારથી દૂર રહીને લોહી-પરસેવો વહાવતા આ શ્રમિકોને રજા લેવી ભારે પડી રહી છે. વતન જઈ રહેલા અજય નામના યુવકે જણાવ્યું કે, તેને રજા આપવામાં આવતી નથી. માલિકોએ સ્પષ્ટ કહ્યું છે કે, જો તે રજા લેશે તો તેનો પગાર કાપી લેવાશે. આવી જ સમાન વ્યથા અલાહાબાદના રાજીવ કુમાર પાલે પણ વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, તેઓ પગાર ન વધારવાના કારણે અને રજાના દિવસે પગાર કાપી લેવાની નીતિના કારણે વતન જઈ રહ્યા છે. રાજીવના માલિકે તેમને સીધું જ કહી દીધું હતું કે, રવિવારની છુટ્ટી નહીં મળે, જવું હોય તો જઈ શકો છો. ‘સુરતની ગુલામી કરતા ગામમાં ખેતી કરવી ભલી’
માલિકોના આવા ત્રાસ પછી શ્રમિકોએ શહેરી રોજગાર છોડીને ગામમાં નાની મજૂરી કરવાનો અને ખેતી કરવાનો આકરો નિર્ણય લીધો છે. યુ.પી.ના પ્રયાગરાજ જવા નીકળેલા બ્રિજેશ નિષાદે કહ્યું કે, તે અહીં ચાર-પાંચ મહિનાથી કામ કરતો હતો, પરંતુ છુટ્ટી માંગવા છતાં રજા ન મળતી હોવાથી તે ગામ જઈ રહ્યો છે. બ્રિજેશ જ્યારે પોતાની રીતે અઠવાડિયામાં રજા લેતો હતો, ત્યારે માલિક તેની રજાના દિવસનો પગાર કાપી લેતા હતા. તેણે દુખ સાથે જણાવ્યું કે, તે હવે ગામ જઈને રેતીમાં કાકડી અને ખીરા વાવીને પોતાનું ગુજરાન ચલાવશે. અજયે પણ નિરાશ થઈને કહ્યું કે, તે ગામ જઈને જે કામ મળશે તે કરી લેશે. 12 કલાકની મજૂરી બાદ પણ પગાર રોકી દેવાતો
માત્ર રજા જ નહીં, પરંતુ કામના કલાકો અને પગાર રોકી લેવાની ધમકીઓથી મજૂરો અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા છે. મનોજ કુમાર સિંહ નામના શ્રમિકે રડમસ અવાજે જણાવ્યું કે, તેને ફરજિયાત 12 કલાક ડ્યૂટી કરવી પડતી હતી અને પગાર પણ સમયસર મળતો ન હતો. જ્યારે કારીગરોએ ગામ જવા માટે રજા માગી તો તેમને રજા ન અપી તેમનો પગાર પણ રોકી લેવામાં આવ્યો. કારખાનામાંથી કાઢી મૂકવામાં આવેલા લોકોમાંથી 25-30 લોકો ગામ જઈ રહ્યા છે, જ્યાં તેઓ ખેતીવાડી જ કરશે. ‘શેઠ બોલાવશે તો જ આવીશું, 30 દિવસ કામ નહીં કરીએ’
મહિનાના તમામ 30 દિવસ સુધી સતત કામ કરવાનું દબાણ કારીગરો સહન કરી શકે તેમ નથી. શિવવંદન કુમાર નામના શ્રમિકે આક્રોશ સાથે જણાવ્યું કે, માલિકે તેને 12 કલાકની ડ્યૂટી કરવા દબાણ કર્યું હતું અને ગેટની બહાર કાઢી મૂક્યો હતો. કારીગરોએ મહિનામાં 26 દિવસની ડ્યૂટી કરવાની તૈયારી દર્શાવી હતી, પરંતુ માલિકે ફરજિયાત 30 દિવસ કામ કરવાનું કહેતા તેઓએ કામ કરવાની ના પાડી દીધી હતી. શિવવંદને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, તેઓ હવે ગામ જઈ રહ્યા છે અને જ્યારે શેઠને માણસોની આવશ્યકતા પડશે ત્યારે સામેથી ફોન કરીને બોલાવશે, અન્યથા તેઓ પરત ફરશે નહીં. મજૂર યુનિયને કહ્યું-વેતન રોકીને મજૂરોને પરેશાન કરાયા
શ્રમિકોના આ પલાયન વચ્ચે મજૂર યુનિયનો પણ તેમની વહારે આવ્યા છે અને માલિકો સામે મોરચો માંડ્યો છે. મજૂર યુનિયનના પ્રતિનિધિ અજય ડી. દુબેએ જણાવ્યું કે ‘ગાંવ ચલો’ આંદોલન હેઠળ મોટી સંખ્યામાં મજૂરો ગામ જઈ રહ્યા છે અને તેમની ટીમ આ મજૂરોને પાણી તથા બિસ્કિટ આપી રહી છે. દુબેએ ગંભીર આક્ષેપ કરતા કહ્યું કે, આ આંદોલન શરૂ થયું ત્યારથી માલિકો મજૂરોને ભારે પરેશાન કરી રહ્યા છે અને તેમને નોકરીમાંથી કાઢી રહ્યા છે, જેના પુરાવા રૂપે તેમની પાસે અનેક વીડિયો પણ મોજૂદ છે. સુરતના કાપડ ઉદ્યોગ માટે ભવિષ્યનો મોટો ખતરો
આ હૃદયદ્રાવક પરિસ્થિતિ દર્શાવે છે કે સુરતના એમ્બ્રોડરી ઉદ્યોગમાં શ્રમિકોનું કેવું ભયંકર માનસિક અને આર્થિક શોષણ થઈ રહ્યું છે. કારીગરો કે જેઓ આ ઉદ્યોગની કરોડરજ્જુ છે, તેમનું આ રીતે ઈમોશનલ પલાયન ભવિષ્યમાં કાપડ બજાર માટે મોટી મુશ્કેલી ઊભી કરી શકે છે. જો કારખાનેદારો દ્વારા વહેલી તકે મજૂરોની અઠવાડિક રજા અને માનવીય વર્તનની માગ સ્વીકારવામાં નહીં આવે, તો સુરતનો આ ચમકતો ઉદ્યોગ કારીગરોના અભાવે અંધકારમાં ધકેલાઈ જશે.

By Gujrat

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!