એન્ટીબાયોટિક દવાઓની અસરકારકતા જાળવવા જનજાગૃતિ જરૂરી : ધારપુર હોસ્પિટલમાં જાગૃતિ સપ્તાહની ઉજવણી
![]()
![]()
‘Silent Pandemic’ સામે જાગૃતિનો સંદેશ : ધારપુર હોસ્પિટલના તબીબો અને વિદ્યાર્થીઓએ યોજી રેલી
પાટણ જિલ્લાના ધારપુર સ્થિત મેડિકલ કોલેજ-હોસ્પિટલ ખાતે એન્ટીબાયોટિક દવાઓની બિનઅસરકારકતા અંગે લોકોમાં જાગૃતિ લાવવા તા. ૧૮ થી ૨૪ નવેમ્બર દરમિયાન જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સપ્તાહના ભાગરૂપે આજે હોસ્પિટલ ખાતે જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
એન્ટીબાયોટિક દવાઓનો બેફામ અને બિનજરૂરી ઉપયોગ થવાને કારણે સમય જતાં વિવિધ બેક્ટેરિયા સામે આ દવાઓની અસરકારકતા ઘટી રહી છે. તબીબી ભાષામાં આ સ્થિતિને ‘એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ’ (Anti-Microbial Resistance – AMR) કહેવામાં આવે છે. આ સમસ્યા આજે સમગ્ર વિશ્વ માટે ગંભીર આરોગ્ય પડકાર બની રહી છે અને તેને ‘સાયલન્ટ પેન્ડેમિક’ (Silent Pandemic) તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ગંભીર સમસ્યાને અટકાવવા, એન્ટીબાયોટિક દવાઓના બિનજરૂરી ઉપયોગને નિયંત્રિત કરવા તેમજ લોકોમાં યોગ્ય સમજણ અને જાગૃતિ કેળવવાના હેતુથી આ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રેલી દ્વારા લોકોને ડૉક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક દવાઓ ન લેવા, દવાઓનો નિર્ધારિત કોર્સ અધૂરો ન છોડવા તથા બિનજરૂરી રીતે એન્ટીબાયોટિકનો ઉપયોગ ટાળવા અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો.
આ રેલીમાં મેડિકલ કોલેજના ડીન ડૉ. દીક્ષિત મોઢ, વિવિધ વિભાગોના વડાઓ, આર.એમ.ઓ., તબીબી શિક્ષકો, નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ, મેડિકલ અને નર્સિંગના વિદ્યાર્થીઓ તેમજ હોસ્પિટલના નર્સિંગ અને અન્ય સ્ટાફે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
રેલીના માધ્યમથી નાગરિકોને એન્ટીબાયોટિક દવાઓનો જવાબદારીપૂર્વક ઉપયોગ કરવા અને ભવિષ્યમાં આ દવાઓની અસરકારકતા જાળવવા સહિયારા પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

