આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે ગ્રાહકોમાં જાગૃતિ લાવવા વિશેષ ઝુંબેશ
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ અને ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ‘ઓપરેશન હેલ્થ’ પહેલ અંતર્ગત ગ્રાહકોના આરોગ્યની સુરક્ષા અને ખાદ્યપદાર્થોની ગુણવત્તા સુનિશ્ચિત કરવાના હેતુથી પાટણ જિલ્લામાં હોટેલ-રેસ્ટોરન્ટ્સ, આઈસ્ક્રીમ પાર્લર, વિતરકો, રિટેલર્સ તેમજ આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટના ઉત્પાદન એકમોનું વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે.
આ ઝુંબેશ અંતર્ગત ગ્રાહકોમાં આઈસ્ક્રીમ (Ice Cream) અને ફ્રોઝન ડેઝર્ટ (Frozen Dessert) વચ્ચેના તફાવત અંગે જાગૃતિ લાવવા તથા તેઓને જાણકારીપૂર્વક ખાદ્યપદાર્થોની પસંદગી કરવામાં મદદરૂપ થવા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણની ટીમ દ્વારા સિદ્ધપુરથી પાલનપુર હાઇવે પર પાટણ જિલ્લાના વિસ્તારમાં આવેલ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને પાર્લરોની તપાસ કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન ખાદ્યપદાર્થોના સંગ્રહની યોગ્ય વ્યવસ્થા, સ્વચ્છતા અને હાઇજિનની સ્થિતિની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ અંગે સ્પષ્ટ જાણકારી મળી રહે તે માટે હોટેલ-રેસ્ટોરન્ટ્સમાં આ અંગેની માહિતી ગ્રાહકો સરળતાથી જોઈ શકે તેવા સ્થળે સ્પષ્ટ રીતે પ્રદર્શિત કરવા સંચાલકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી રહી છે.
આ અભિયાનને વધુ વ્યાપક જનજાગૃતિનું સ્વરૂપ આપવા Consumer Protection Education and Research Centre, Siddhpur, District Patanના માધ્યમથી પણ ગ્રાહકોને આઈસ્ક્રીમ અને ફ્રોઝન ડેઝર્ટ વચ્ચેના તફાવત અંગે માહિતગાર કરવામાં આવી રહ્યા છે. સાથે જ આ બંને પ્રકારના ઉત્પાદનોના ઉત્પાદન એકમોની તપાસ કરીને પેકેજિંગ અને લેબલિંગની ચકાસણી કરવામાં આવી રહી છે. ઉત્પાદિત ખાદ્યપદાર્થોના લેબલ પર ‘Ice Cream’ અથવા ‘Frozen Dessert’ તરીકે યોગ્ય અને સ્પષ્ટ ઓળખ દર્શાવવામાં આવી છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે, જેથી ગ્રાહકો ઉત્પાદનની સાચી ઓળખ મેળવીને જાગૃતપણે ખરીદી કરી શકે.
આ વિશેષ ઝુંબેશ અંતર્ગત તા. ૧૯ નવેમ્બર, ૨૦૨૬ના રોજ પાટણ જિલ્લાના સિદ્ધપુરથી પાલનપુર હાઇવે પર આવેલી કુલ ૨૬ હોટેલ્સ, રેસ્ટોરન્ટ્સ અને પાર્લરની તપાસ કરવામાં આવી હતી. જ્યારે રાધનપુર શહેરમાં ૦૫ ડિસ્ટ્રિબ્યુટર/રિટેલર પેઢીઓ તથા ૦૩ આઈસ્ક્રીમ/ફ્રોઝન ડેઝર્ટ ઉત્પાદન એકમોનું પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન રેકોર્ડમાં ખામી અને અસ્વચ્છતા જણાતા ૦૪ હોટેલને જરૂરી સુધારાત્મક પગલાં લેવા અંગે નોટિસ પાઠવવામાં આવી છે.
ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા નાગરિકોને ગુણવત્તાયુક્ત, સલામત અને સ્વચ્છ ખાદ્યપદાર્થો મળી રહે તે માટે આવી તપાસની સાથે જનજાગૃતિની કામગીરી પણ સતત કરવામાં આવી રહી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
