રાજકોટના ઐતિહાસિક રણજીતવિલાસ પેલેસમાં નવરાત્રિ દરમિયાન શૌર્ય અને પરંપરાનું અનોખું પ્રદર્શન જોવા મળશે. આ વર્ષે સતત 19મી વખત ક્ષત્રિય સમાજની 150 બહેનો દ્વારા તલવાર રાસ રજૂ કરવામાં આવશે, જે માટે પ્રેક્ટિસ શરૂ થઈ ચૂકી છે. આ અદ્ભુત પ્રસ્તુતિમાં બહેનો તલવાર, ઢાલ, દીવડા, થાળી અને ટિપ્પણી જેવા વિવિધ રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનર્જીવિત કરશે. રાજવી પરિવારના રાણીબા કાદમ્બરીદેવીના માર્ગદર્શન હેઠળ, ભગિની ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં બહેનો દર વર્ષે કંઈક નવું કરીને સૌને આશ્ચર્યચકિત કરે છે. આ ભવ્ય કાર્યક્રમ નવરાત્રિના બીજા, ત્રીજા અને ચોથા નોરતે યોજાશે, જેમાં સામાન્ય જનતાને પણ આમંત્રિત કરવામાં આવ્યા છે. 15થી 40 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે
રાજકોટનાં રાજવી પેલેસના માંધાતાસિંહજીના પત્ની રાણીબા કાદંબરીદેવીએ જણાવ્યું હતું કે, રણજીતવિલાસ પેલેસ પ્રાંગણમાં ધારદાર તલવાર સાથે ક્ષત્રિય સમાજની બહેનો પ્રતિવર્ષ તલવાર રાસ રમીને ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરે છે. જે અંતર્ગત ક્ષત્રિયાણીઓ દ્વારા તલવાર રાસની પ્રેક્ટિસ કરવામાં આવી હતી. બીજા અને ત્રીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને 15થી 40 વર્ષની બહેનો તલવાર રાસની રમઝટ બોલાવશે. જ્યારે ચોથા નોરતે ભગિની ફાઉન્ડેશનની બહેનો માટે ગરબા કોમ્પિટિશન રાખવામાં આવી છે. ત્રણ દિવસ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા અદ્ભુત રાસની પ્રસ્તુતિ કરવામાં આવશે જે નિહાળવા માટે સામાન્ય જનતા પણ રાજવી પેલેસમાં આમંત્રિત છે. ભારતના ખમીરવંતા ઇતિહાસને પુનઃજીવિત કરતી પરંપરા
ગુજરાતના ગરબા એટલે માત્ર ત્રણ તાળી નહિ અહીં દરેક પ્રાંતના ગરબાનો અલગ અંદાજ છે અને અલગ રીતે ગરબા રમાય છે. જેમાં એક રાસ એટલે ગુજરાતના ક્ષત્રિય સમાજની મહિલાઓ દ્વારા કરવામાં આવતો તલવાર સાથેનો રાસ છે. રાજકોટના રણજીત વિલાસ પેલેસ ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્ષત્રિયાણીઓના શોર્ય સમાન તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 150 કરતા વધુ બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવશે. હાલ આ રાસની જોરશોરથી તૈયારી રાજવી પેલેસ ખાતે કરવામાં આવી રહી છે. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમ યોજવામાં આવે છે. અગાઉ મહિલાઓએ બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ તલવાર પકડીને રાસ કર્યો હતો. બહેનોએ દીવડા, થાળી અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો
રાજકોટના રાજવી પેલેસ ખાતે વર્ષ 2006થી નવરાત્રિમાં તલવાર રાસ રમાય છે. ગતવર્ષે બીજા અને ત્રીજા નોરતે તલવાર રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 200 જેટલી ક્ષત્રિય સમાજની બહેનોએ તલવાર રાસ લીધા હતા. દરમિયાન બાઈક અને ખુલ્લી જીપ પર સવાર થઇ પ્રથમ વખત તલવાર રાસ રમી ઉપસ્થિત સૌ કોઇને ઘોડેસવાર વિરાંગનાઓની ઝાંખી કરાવી હતી. આ ઉપરાંત બહેનોએ દીવડા, થાળી અને ટીપ્પણી રાસ પણ રજૂ કર્યો હતો. આ વર્ષે પણ કાંઈક નવું કરવાની તૈયારીઓ: જાનકીબા ચુડાસમા
તલવાર રાસની પ્રેક્ટિસ કરતા જાનકીબા ચુડાસમાએ જણાવ્યું હતું કે, રાજકોટ ખાતે ભગીની સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા કાર્યરત છે. જેના પ્રમુખ રાજકોટનાં રાણીસાહેબ કાદમ્બરી દેવી જાડેજા છે. તેમનું માનવું છે કે, સ્ત્રીઓ દરેક કાર્યમાં આગળ વધે અને ઘરની બહાર નીકળી તેમનું કૌશલ્ય બતાવે. જે અંતર્ગત અમે નવરાત્રિમાં તલવાર રાસ રજૂ કરીએ છીએ. તલવાર રાસ એ શક્તિનું પ્રદર્શન છે. આ રાસની સાથે માતાજીની આરાધના માટે અમે પ્રાચીન રાસ પણ રજૂ કરીએ છીએ. જેમાં તાલી રાસ, ગરબા રાસ, દીવા રાસ અને દાંડિયા રાસ સામેલ છે. તલવાર રાસ અહીંનું ખાસ આકર્ષણ છે. જેમાં પણ અમે દરવર્ષે કંઈક નવું કરીએ છીએ. બે વર્ષ પહેલાં અમે બાઈક પર સ્ટંટ કર્યા હતા. ગતવર્ષે ખુલ્લી જીપ અને બુલેટ ઉપર સ્ટંટ કર્યા હતા. આ વર્ષે પણ અમે કાંઈક નવું કરવાની તૈયારીઓ કરી રહ્યા છીએ. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 13 વર્ષથી સાફા બાંધવાની તાલીમ, હેરિટેજ વોક, પર્યાવરણ જાગૃતિ, સૈનિકોને ઇકો ફ્રેન્ડલી રાખડી મોકલવા સહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા ભગિની ફાઉન્ડેશન દ્વારા બાઈક પર તલવાર રાસ રમતા શીખવવાની ખાસ શિબિર યોજવામાં આવે છે. અંદાજે પાંચ વર્ષ પહેલા ક્ષત્રિય સમાજની હજારો બહેનોએ એકસાથે તલવાર રાસ રમીને વિશ્વ વિક્રમ પણ સ્થાપ્યો હતો. ત્યારે આ વર્ષે બાઈક અને જીપ સિવાયના અન્ય કરતબ કરવાની તૈયારી પણ ક્ષત્રિય સમાજની બહેનો દ્વારા કરવામાં આવી રહી છે. જેને નિહાળીને લોકો મંત્રમુગ્ધ થઈ જશે તે નિશ્ચિત છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!