બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના કણજારા ગામમાં આવેલી દુધ ઉત્પાદક સહકારી મંડળી પર છેલ્લા 47 વર્ષથી એક જ પરિવારનો કબજો હોવાના આક્ષેપો સામે ગામવાસીઓ ઉગ્ર બની ગયા છે.
ગામલોકોએ 15 સપ્ટેમ્બરથી દૂધ પુરવઠો બંધ કરીને વિરોધની શરૂઆત કરી હતી.

તેમનું કહેવું છે કે દાયકાઓથી મંત્રી અને પેનલમાં માત્ર એક જ પરિવારના સભ્યો બેસતા આવ્યા છે, જેના કારણે લોકશાહી પ્રણાલીને અવગણવામાં આવી છે અને સહકારી મંડળીના હિતો પર ભ્રષ્ટાચારનો ઘેરો થયો છે.
વિરોધ દરમિયાન ડીસા રૂરલ પોલીસે ખાતરી આપી હતી કે આ મુદ્દો ટૂંક સમયમાં ઉકેલી દેવાશે, પરંતુ આજદિન સુધી કોઈ સત્તાવાર કાર્યવાહી હાથ ધરાઈ નથી. પરિણામે ગામલોકોમાં ભારે અસંતોષ ફેલાયો છે. હાલ પરિસ્થિતિ એવી છે કે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે અને રોજિંદી જીંદગી પર અસર પડી રહી છે.
સમસ્યાનો ઉકેલ ન આવતા ગામલોકોએ 19 સપ્ટેમ્બરે જિલ્લા કલેક્ટર, જિલ્લા રજીસ્ટ્રાર, નાયબ કલેક્ટર અને મામલતદાર સહિતના તમામ અધિકારીઓને આવેદનપત્ર પાઠવ્યું છે. જિલ્લા કલેક્ટર અને પોલીસ અધિક્ષક હાજર ન હોવા છતાં તેમને પણ લેખિત આવેદન મોકલવામાં આવ્યું છે. ગામવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો હાલની પેનલ રદ કરીને નવી લોકશાહી પદ્ધતિથી નિમણૂંક નહીં કરવામાં આવે અને ભ્રષ્ટાચાર પર અંકુશ નહીં મુકવામાં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે.
ગામલોકોએ સાથે સાથે ચેતવણી આપી છે કે જો પ્રશાસન હવે પણ કાનમાં આંગળીઓ મૂકી બેઠું રહેશે અને પરિસ્થિતિ કાબૂ બહાર જશે કે બંને પક્ષો વચ્ચે કોઈ અનિચ્છનીય ઘટના કે ઝઘડો સર્જાશે તો તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે.
The Gujarat Live News
અહેવાલ મગસિ ઠાકોર
