રાધનપુર નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલા વોર્ડ નં-૧ના રેલવે સ્ટેશન વિસ્તારના વોટર વર્ક્સ ખાતે તાજેતરમાં ચોરીની ઘટના બનતા સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. 

ગિરધારીભાઈના ખેતરમાં આવેલ પીવાના પાણીના બોરમાંથી 16 સપ્ટેમ્બર, 2025ના રોજ આશરે 60 થી 70 ફૂટ લાંબો 25 એમએમનો કોપર કેબલ ચોરાઈ ગયો હતો.

પાણીના સ્ત્રોત પર બનેલી આ ચોરીની ઘટના નગરપાલિકાની બેદરકારીનો તાજો દાખલો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

નગરસેવિકા જયાબેન ઠાકોરે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સ્પષ્ટ શબ્દોમાં નગરપાલિકાને જવાબદાર ઠેરવતા જણાવ્યું કે, “અહીં ન તો કોઈ વોચમેન છે, ન તો વાલમેન છે.

રજૂઆતો છતાં બોરના દરવાજાઓ સુરક્ષિત કરવામાં આવ્યા નથી.

તમામ સાધનો ખુલ્લા મૂકવામાં આવે છે, જેથી વારંવાર ચોરી કે મોટર બળી જવાની ઘટનાઓ બનતી રહે છે.”

રેલવે સ્ટેશન વિસ્તારની મહિલાઓએ પણ આક્ષેપો કરતાં જણાવ્યું કે, “અમારા વિસ્તારના ચૂંટાયેલા અન્ય કોર્પોરેટરો ક્યારેય અહીં આવતા નથી.

જયારે પણ કોઈ સમસ્યા થાય ત્યારે ફક્ત જયાબેન જ દોડી આવે છે.

છેલ્લા 15 દિવસથી પાણી મળ્યું નથી, જેના કારણે દૈનિક જીવન મુશ્કેલીભર્યું બની ગયું છે.”

ગિરધારીભાઈ, જેમના ખેતરમાં બોર આવેલ છે, તેમણે પણ ખુલ્લેઆમ નગરપાલિકાની નિષ્ક્રિયતા પર આક્ષેપ કરતાં જણાવ્યું કે, રજૂઆતો છતાં સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નથી.

દરવાજાઓ ખુલ્લા મુકાય છે, કોઈ દેખરેખ ન હોવાથી ગમે ત્યારે કોઈપણ આવીને ચોરી કરી શકે તેવી પરિસ્થિતિ છે.

જયાબેન ઠાકોરે આ મુદ્દે તંત્રને ચેતવણી આપતા જણાવ્યું કે જો આવનારા દિવસોમાં પાણીની પુરતી અને નિયમિત વ્યવસ્થા કરવામાં નહીં આવે, તો નગરપાલિકા પ્રમુખનો ઘરાવો કરવામાં આવશે અને પ્રજાથી વસુલવામાં આવતા ટેક્સના હિસાબની માંગણી કરવામાં આવશે.

“પ્રજાથી નિયમિત ટેક્સ લેવામાં આવે છે, તો પ્રજાને પૂરી સેવા કેમ આપવામાં આવતી નથી?

જો વ્યવસ્થા પૂરી ન કરી શકાય તો ટેક્સ કેમ માફ કરવામાં આવતો નથી?”

એમ કહી નગરસેવિકાએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

આ ઘટના પછી રાધનપુરમાં પાણીની અછતનો પ્રશ્ન વધુ ગંભીર બન્યો છે અને સ્થાનિક રહીશો સાથે નગરસેવિકા દ્વારા કરવામાં આવેલા આક્ષેપો બાદ નગરપાલિકાની કામગીરી પર ફરી પ્રશ્નચિહ્ન ઊભું થયું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!