રાજ્યમાં છેલ્લા કેટલાંક દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, રાજકોટ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મગફળી, કપાસ, તલ, મકાઇ અને અડદના પાકને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જતા પાક બગડ્યો છે અને ખેડૂતો ભારે આર્થિક સંકટમાં આવી ગયા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પાક નુકસાનની સ્થિતિનું નિરીક્ષણ કર્યું છે. કૃષિ વિભાગ દ્વારા તાત્કાલિક સર્વે હાથ ધરાયો છે અને સરકારે સ્પષ્ટ કર્યું છે કે ખેડૂતના હિતમાં કોઈપણ પ્રકારની કમી નહીં રહે. સરકાર ખેડૂતના પડખે ઉભી છે, અને સર્વે રિપોર્ટના આધારે યોગ્ય સહાય જાહેર થશે, એમ મુખ્યમંત્રીએ જણાવ્યું છે. એક તરફ સરકાર અને સંસ્થાઓ ખેડૂતોને સહાય આપવાની ખાતરી આપી રહી છે, તો બીજી તરફ ખેતરમાં ઉભેલા પાકની હાલત જોઈને ખેડૂતોમાં ચિંતા પણ છે. હવે ખેડૂતોની નજર રાજ્ય સરકારની સહાય જાહેરાત પર છે, જે આગામી દિવસોમાં આવી શકે છે. 4 કૃષિ ઝોનમાં પાક નુકસાન અને સરવેની સ્થિતિ ઉત્તર ઝોન: 44,849 ખેડૂતને 28.11 કરોડનો ફટકો
કમોસમી વરસાદે ઉત્તરમાં વાવેતર થયેલા 18.08 લાખ હેક્ટર પૈકી 4.14 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે. અત્યાર સુધીના સર્વેમાં 44,849 ખેડૂતોની 46,125 હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે રૂ.28.11 કરોડનું નુકસાન થઇ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. અહીં કૃષિ વિભાગની 565 ટીમોએ 3230 ગામ પૈકી 1072નો સરવે કર્યો. દક્ષિણ ઝોન: 1.36 લાખ ખેડૂતને 58 કરોડનું નુકસાન
5.61 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે. એટલે કે, કુલ વાવેતરનો 79% પાક અસરગ્રસ્ત થયો છે. અત્યાર સુધીમાં 2.51 લાખ હેક્ટર સાથે સરવેની 35.35% કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધીના સર્વેમાં 1.36 લાખ ખેડૂતોની 1.67 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે રૂ.58.45 કરોડનું નુકસાન થઇ ચૂક્યું હોવાનું સામે આવ્યું છે. મધ્ય-પૂર્વ ઝોન: 2.59 લાખ ખેડૂતને 296 કરોડનું નુકસાન
15.55 લાખ હેક્ટર પૈકી 8.17 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે. એટલે કે, કુલ વાવેતરનો 52.54% પાક અસરગ્રસ્ત થયો છે. અત્યાર સુધીમાં 3.71 લાખ હેક્ટર સાથે સર્વેની 45.37% કામગીરી પૂર્ણ થઈ છે. અત્યાર સુધીના સર્વેમાં 2.59 લાખ ખેડૂતોની 3.18 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે રૂ.296.45 કરોડનું નુકસાન થયું છે. સૌરાષ્ટ્ર ઝોન: 12.65 લાખ ખેડૂતને 1218 કરોડનો ફટકો
કમોસમી વરસાદે સૌરાષ્ટ્રમાં વાવેતર થયેલા 37.71 લાખ હેક્ટર પૈકી 33.53 લાખ હેક્ટર વાવેતરને માઠી અસર કરી છે. અત્યાર સુધીમાં 28.28 લાખ હેક્ટર સાથે સર્વેની 84.34% કામગીરી પૂર્ણ થઇ છે. અત્યાર સુધીના સરવેમાં 12.65 લાખ ખેડૂતોની 25.60 લાખ હેક્ટર જમીનમાં 33% કે તેથી વધુ નુકસાન સાથે રૂ.1218.50 કરોડનું નુકસાન થયું છે. ખેતરમાં આંટા મારવાને બદલે એક કિમી દૂર કૃષિ ભવનમાં આંટો મારવાની જરૂર હતી: આંબલિયા
કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ જણાવ્યું કે જનતાની પીડામાં તેમની વચ્ચે જઈને તેઓને સાંભળવા તે મુખ્યમંત્રીનો ધર્મ છે પણ જો મુખ્યમંત્રી રાજધર્મ સમજતા હોય, રાજધર્મનો દેખાડો કરવાને બદલે ખરેખર નિભાવવા માંગતા હોય તો આપે મુખ્યમંત્રી તરીકે ખેડૂતોના ખેતરમાં આંટા મારવાને બદલે તમારી ઓફિસથી એક કિલોમીટર જ દૂર આવેલી કૃષિ ભવનમાં આંટો મારવાની જરૂર હતી. ‘ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકારે જ ખેડૂતલક્ષી યોજના બંધ કરવાનું પાપ કર્યું’
આપે જો આ યોજનાઓની ફાઈલો હાથમાં લીધી હોત તો સૌ પહેલા પાકવિમા યોજના આપના હાથમાં આવત ને એમાં આવી કુદરતી આપત્તિઓ સામે ખેડૂતો પ્રીમિયમ ભરીને પોતાનું રક્ષણ જાતે કરી શકે તેવી યોજના આપને દેખાત પણ દુઃખ સાથે કહેવું પડે છે કે આપની કહેવાતી ખેડૂતલક્ષી અને ખેડૂતો પ્રત્યેની સંવેદનશીલ સરકારે જ આ યોજના બંધ કરવાનું પાપ કર્યું છે જેના કારણે આજે ખેડૂત માત્ર સરકારને રહેમ, દયા તળે દબાયેલો તમને દેખાત એટલું જ નહીં ખેડૂતોને કુદરતી આપતિઓમાં હક્કના પાકવિમા સાથે સાથે સરકાર દ્વારા અલગથી SDRF/NDRF યોજનાનો વધારાનો લાભ મળતો હતો એ યોજનાની ફાઇલ પાકવિમા યોજનાની ફાઇલની બાજુમાં જ છે એ તમારા હાથમાં આવી જાત. ‘મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ફાઇલ તો સૌથી ઉપર જ હતી’
10 ઓગસ્ટ 2020ના દિવસે તમે ખેડૂતો તમને ક્યારેય માફ ન કરે તેવું પાપ કર્યું છે. પાકવિમા યોજના બંધ કરવાનું અને તેના બદલે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અમલમાં લાવવાનું. આ કાગળ પર જ જન્મેલી અને કાગળ પર જ મૃત્યુ પામેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની ફાઇલ તો સૌથી ઉપર જ હતી એ તો તમે ખાનું ખોલો તો તરત જ મળવાની હતી. એ ફાઈલમાં તો દુષ્કાળ, અતિવૃષ્ટિ, અને કમોસમી વરસાદમાં ખેડૂતોને 1 લાખ સુધી વળતર આપવાની જોગવાઈ હતી ને સાથે સાથે SDRF/NDRF મુજબનું વળતર તો અલગ જ. ખેડૂતોને સરેરાશ વિઘા દીઠ રૂ.51,395 નુકસાન થયાનો પ્રાથમિક અંદાજ: ધાનાણી
પરેશ ધાનાણીએ રજૂ કરેલા આંકડા મુજબ ખેતીવાડી ખાતાની સલાહ, કૃષિ તજજ્ઞોના અભિપ્રાય અને ખેડૂતોની ખુદની કોઠા સૂઝ પરથી કાઢેલા પ્રાથમિક અંદાજ મુજબ, ખરીફ 2025 દરમિયાન મગફળીનો વિઘા દીઠ કુલ ઉત્પાદન ખર્ચ રૂ. 17,355 જેટલો થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં સરેરાશ 20 મણ ઉપજ મળે છે, જેના ટેકાના ભાવે કિંમત રૂ. 29,040 થાય છે. એ ઉપરાંત પલળી ગયેલા પાકની કિંમત રૂ. 5,000 ગણાય તો કુલ ઉપજનું મૂલ્ય રૂ. 34,040 થાય છે. પરંતુ કમોસમી વરસાદ અને માવઠાની અસરને કારણે અનેક વિસ્તારોમાં પાક પૂરેપૂરો બરબાદ થયો છે. પ્રાથમિક અંદાજ મુજબ ખેડૂતોને સરેરાશ વિઘા દીઠ રૂ. 51,395 જેટલું નુકસાન થયું છે. જ્યારે વાસ્તવિક નુકસાનનો આંકડો રૂ.50,000થી વધુ છે, ત્યારે સરકારની રૂ. 8,000 સહાયની જાહેરાત ખેડૂતો માટે ભીખ સમાન છે. સરકાર તરત જ પાકનું પુનઃસર્વેક્ષણ કરી વાસ્તવિક વળતર આપે. ખેડૂતોના વીમા દાવા ઝડપથી ચુકવાય: આર.કે.પટેલ
ભારતીય ખેડૂત સંઘના પ્રદેશ મહામંત્રી આર.કે.પટેલે જણાવ્યું કે, વર્ષ 2016 અને 2018 દરમિયાન પણ આવી પરિસ્થિતિ સર્જાતાં સરકારે ખેડૂતોને મદદરૂપ થવા સહાય આપી હતી. આ વખતે પણ ખેડૂતોના વીમા દાવા ઝડપથી ચુકવાય અને વહીવટી તંત્ર સમયસર સર્વે કરી વાસ્તવિક નુકસાનનો આંક મેળવશે તો ખેડૂતને મોટો ફાયદો થશે. ‘સહાય અને વીમા દાવાની પ્રક્રિયા પારદર્શક રીતે થાય’
સંઘના જણાવ્યા મુજબ લગભગ 28 જિલ્લાઓમાં ખેડૂતોના પાકને નુકસાન થયું છે. ખાસ કરીને મગફળીના પાકમાં ભારે નુકસાન નોંધાયું છે. સંઘે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે સહાય અને વીમા દાવાની પ્રક્રિયા પારદર્શક રીતે હાથ ધરવામાં આવે જેથી ખેડૂતને તાત્કાલિક રાહત મળે. મહેસાણામાં 508 ગામના 3600 ખેડૂતોના પાકને 33 ટકાથી વધારે નુકસાન
મહેસાણા જિલ્લામાં કમોસમી વરસાદના કારણે કુલ 2.71 લાખ હેક્ટરમાં 508 ગામના 3600 ખેડૂતોને 33 ટકાથી વધુ નુકસાન થયું છે. 10 તાલુકા પૈકીના વિજાપુર, વડનગર, સતલાસણામાં 33 ટકાથી વધારે નુકસાન થયાનું ખેતીવાડી વિભાગના સર્વેમાં પ્રકાશમાં આવ્યું છે. જિલ્લામાં મગફળી, ડાંગર અને ઘાસચારો વધુ નુકસાનગ્રસ્ત થયો છે. જિલ્લામાં 33 ટકાથી વધુ પાક નુકસાનના સર્વેની કામગીરી પૂરી કરવામાં આવશે. જેનો અહેવાલ સરકારમાં મોકલી આપવામાં આવશે. 15,000 હેક્ટરમાં મગફળીના પાથરાને અને 8800 હેક્ટરમાં ઘાસચારાને નુકસાન
મહેસાણા જિલ્લામાં વિજાપુર, સતલાસણા, ખેરાલું અને વડનગર તાલુકામાં મગફળી અને ઘાસચારાને વ્યાપક પ્રમાણમાં નુકસાન થવાના લીધે ખેડૂતોની હાલત દયનીય થઈ છે. જેમાં 15,000 હેક્ટર જમીનમાં મગફળીના પાથરાને નુકસાન, 8800 હેક્ટર જમીનમાં ઘાસચારાને નુકસાન થયું છે. કડી તાલુકામાં 6000 હેક્ટરમાં ડાંગરના પાકનો સોથ વળી ગયો છે. તેમજ જિલ્લામાં 3,000 હેક્ટરમાં મગ, મઠ, અડદ, ગવારના પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદથી કાપણીલાયક પાકોને 33 ટકાથી વધુ નુકસાન
જિલ્લા ખેતીવાડી અધિકારી વિપુલ પટેલના જણાવ્યા મુજબ જિલ્લામાં ઓણસાલ 2.71 લાખ હેક્ટર જમીનમાં મગ, અડદ, મઠ, કપાસ, ગુવાર, ડાંગર, મગફળી અને ઘાસચારાના ખરીફ પાકની વાવણી કરવામાં આવી હતી. કમોસમી વરસાદથી કાપણીલાયક પાકોને 33 ટકાથી વધુ નુકસાન થવા પામ્યું છે. જિલ્લામાં આફતગ્રસ્ત ગામોના ખેતી પાકના નુકસાનના સર્વેની કામગીરીમાં છેલ્લાં બે દિવસમાં કુલ 39,000 હેક્ટર જમીનમાંના ખરીફ પાકને 33 ટકાથી વધારે નુકસાન થયાનું નોંધાયું છે. ‘ઘઉં, દીવેલા, રાયડોના પાકને પિયત મળ્યું’
10 તાલુકાના 508 ગામની 14,000 હેક્ટર જમીનમાં થયેલાં પાક નુકસાનનો સર્વે પૂર્ણ થયો છે. જે સર્વેમાં આશરે 36,000 ખેડૂતોના મોલાતને 33 ટકાથી વધારે નુકસાન થયું છે. તેમજ આવતીકાલ સાંજ સુધીમાં જિલ્લામાં ખરીફ પાકના નુકસાનના સર્વેની કામગીરી પુરી કરી દેવામાં આવશે તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતુ. તેમણે કહ્યું કે, જિલ્લામાં દીવેલાના પાકને નુકસાન થયું નથી. પરંતુ ફાયદો થયો છે. કમોસમી વરસાદથી તો ઘઉં, દીવેલા, રાયડોના પાકને તો પિયત મળ્યું છે. ‘જિલ્લામાં 2.90 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર ’
કૃષિ અધિકારીના જણાવ્યાનુસાર જિલ્લામાં 2.90 લાખ હેક્ટર જમીનમાં ખરીફ પાકનું વાવેતર થાય છે. જેમાં 1,02,954 હેક્ટર જમીનમાં દીવેલાની વાવણી કરાય છે. તેવી જ રીતે,મગફળી-24,727 હેક્ટર, ઘાસચારો-79,000 હેક્ટર અને અન્ય પાક મગ, મઠ, અડદ અને તુવેર પાકની વાવણી 20,000 હેક્ટર જમીનમાં કરવામાં આવે છે. ભાવનગરમાં 11 તાલુકાના 699 ગામોમાં સર્વે
ભાવનગર જિલ્લાના 10 તાલુકા અને 1 સિટી મળી કુલ 11 તાલુકાના 699 ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી. સર્વેના‌ આધારે જિલ્લાના તમામ ગામોનો રિપોર્ટ તૈયાર કરી સરકારને સોંપવામાં આવશે. ડિજિટલ સર્વેનો વિરોધ થતાં સરકારે પંચરોજકામ કરી સર્વેની સૂચના આપી
કમોસમી વરસાદથી જિલ્લામાં કપાસ, મગફળી તથા શાકભાજી જેવા વિવિધ પાકોને ભારે નુકસાન પહોંચ્યું હતું. પ્રથમ સરકાર દ્વારા ડિજિટલ સર્વે કામગીરીની સૂચનાઓ આપવામાં આવી હતી, જેમાં જિલ્લાના ખેડૂતો દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકાર તરફથી પંચરોજકામ કરી સર્વે અંગે સૂચનાઓ આપવામાં આવી હતી, જેને લઈ સરકારે તાત્કાલિક પાક નુકસાન સર્વે પ્રક્રિયા શરૂ કરવાનો નિર્ણય કર્યો હતો. જિલ્લાની દરેક તાલુકામાં ગ્રામ સેવક (ખેતી), તલાટી કમ મંત્રી અને અન્ય વર્ગ-3ના કર્મચારીઓની ટીમો બનાવીને સ્થળ પર પાક નુકસાનના સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે પાક નુકસાની સર્વે કામગીરી ગતરોજ પૂર્ણ કરવામાં આવી છે. પંચરોજકામ સહિતની સર્વેની કામગીરી પૂર્ણઃ અધિકારી
આ અંગે જિલ્લા ખેતીવાડી અધિકારી મહંમદ રિઝવાને જણાવ્યું હતું કે, ઓક્ટોબર 2025માં કમોસમી વરસાદથી જે ખેતી અને બાગાયતી પાકોને નુકસાન થયું છે એ નુકસાની બાબતે સર્વે કરવાની સરકાર તરફથી સૂચનાઓ મળી હતી, તેના આધારે સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પછી સરકાર તરફથી સૂચનાને લઇ પંચ રોજકામ સહિતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે 2 નવેમ્બરના શરૂ કરવામાં આવી હતી, જે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. ‘કપાસ-મગફળીમાં વધુ નુકસાન’
વધુમાં ઉમેર્યું કે, મુખ્યત્વે ભાવનગર જિલ્લામાં બે મુખ્ય પાકો કપાસ અને મગફળી છે તેમાં વધુ નુકસાની જોવા મળી છે. ઉપરાંત ડુંગળી, શાકભાજી, ઘાસચારો અને અન્ય પાકોમાં જ્યાં-જ્યાં જે ગામોમાં નુકસાની જોવા મળી છે, તેનો સર્વેમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં ભાવનગરના 10 અને સિટી મળી કુલ 11 તાલુકાના 699 ગામનો સમાવેશ થાય છે, તે તમામ ગામોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સર્વે કામગીરી ગઇકાલે (3 નવેમ્બર) પૂર્ણ કરવામાં આવી છે. રિપોર્ટિંગ પ્રક્રિયા અને પાક રિપોર્ટિંગ પ્રક્રિયા અત્યારે શરૂ છે અને રિપોર્ટિંગ પૂર્ણ થયા બાદ સર્વે રિપોર્ટ સરકારમાં સોંપવામાં આવશે. અમરેલીમાં અસગ્રસ્ત 626 ગામોમાં સર્વે-પંચરોજકામની કામગીરી પૂર્ણ
અમરેલી જિલ્લામાં અસરગ્રસ્ત 626 ગામોમાં કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી, શાકભાજી, કઠોળ વગેરેની ખેતીને નુકસાની થઈ છે. આ અસરગ્રસ્ત ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી કરી અને અહેવાલ તૈયાર કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ અંગે અમરેલી તાલુકાના નાના ભંડારિયાના ગ્રામ સેવક કંચનબેન સાંગાણીએ જણાવ્યું કે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચના અંતર્ગત વરસાદ વિરામ લેતા જ આંકડિયા ગ્રુપના અમારા ગામ નાના ભંડારિયાના તમામ ખેડૂત ખાતેદારોની વિગતો મેળવી ખેતરે ખેતરે જઈ સરવે અને રોજકામ કર્યુ છે. અંદાજિત નુકસાનીનો અહેવાલ અમારા ગામોમાં પૂર્ણ થયો છે. 86 ટીમ, 27 અધિકારી, 234 કર્મચારીની ટીમે રિપોર્ટ તૈયાર કર્યો
મદદનીશ ખેતીનિયામક વિકાસ ડામોરના જણાવ્યા મુજબ સર્વે અને રોજકામની કામગીરી માટે અમરેલી જિલ્લામાં 86 ટીમ દ્વારા 626 ગામોમાં સર્વે અને પંચરોજકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. આ કામગીરીમાં 86 ટીમો અને 27 અધિકારીઓ, 234 કર્મચારીઓની ટીમ નુકસાનીનો રિપોર્ટ તૈયાર કરવા માટે કામગીરી કરી રહી છે. નુકસાનીના અંદાજના રિપોર્ટનું સંક્લન કરી સરકારને આપવામાં આવશે. ખેતીવાડી શાખા દ્વારા આ કમોસમી વરસાદ અંગે ખાસ પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરેલો છે, જે માટેની માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છે. તેમજ જિલ્લા કક્ષાએ અલાયદો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવેલો છે. જેમાં હેલ્પલાઈન નંબર 02792 223324 પર ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ કરીને મદદ કરવામાં આવી રહી છે. સુરેન્દ્રનગરમાં 500 ટીમોએ 500 ગામોમાં સર્વેની કામગીરી પૂર્ણ કરી
સુરેન્દ્રનગર જિલ્લાના 10 તાલુકાના કુલ 500 ગામોમાં કમોસમી વરસાદથી નુકસાન નોંધાયું છે. જેમાં મુખ્યત્વે તુવેર, કપાસ અને મગફળી જેવા પાકોને અસર થઈ છે. પાક નુકસાનના મૂલ્યાંકન માટે જિલ્લા વહીવટી તંત્રએ ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, કૃષિ સહાયક અને સ્થાનિક કર્મચારીઓ સહિતની 500 ટીમોની રચના કરી હતી. આ ટીમોએ ગામ-ગામની મુલાકાત લઈ સરપંચો, ગ્રામ પંચાયતો અને ખેડૂત આગેવાનોની હાજરીમાં નુકસાનગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું અને પંચરોજકામ અનુસાર માહિતી એકત્રિત કરી હતી. સર્વે પૂર્ણ થયા બાદ નુકસાની અંગેનો વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને મોકલી આપવામાં આવશે. ત્યારબાદ સરકારના માર્ગદર્શન મુજબ પાક નુકસાનીનું ચૂકવણું કરવામાં આવશે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!