પાટણ જિલ્લાના રાધનપુર તાલુકોના સાતુન ગામમાં ઠાકોર સમાજની સ્મશાન ભૂમિ ખાતે બનાવવામાં આવેલી લિપ/દિવાલના કામમાં ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે એક જાગૃત નાગરિક દ્વારા લેખિતમાં રજૂઆત કરીને સંબંધિત તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

અરજદારે આક્ષેપ કર્યો છે કે દિવાલનું કામ ટેન્ડરની શરતો મુજબ કરવામાં આવ્યું નથી. બનાવટના માત્ર બે દિવસમાં જ દિવાલ તૂટી જવા લાગી હોવાનું સામે આવ્યું છે, જેના કારણે કામની ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. ઉપરાંત દિવાલના પાયા માટે જરૂરી ઊંડાઈ રાખવામાં આવી નથી અને અંદાજે દોઢ ફૂટ જેટલી ઓછી ઊંડાઈમાં કામ પૂર્ણ કરી દેવાયું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે.
જાગૃત નાગરિકના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટર દ્વારા નીચી ગુણવત્તાનો માલસામાન વાપરી સરકારી નાણાંનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાધનપુર તાલુકા પંચાયત વિસ્તારમાં આ જ કોન્ટ્રાક્ટર દ્વારા અગાઉ પણ અનેક વિકાસ કામોમાં ગેરરીતિ કરવામાં આવી હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.
સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ બહાર આવી શકે છે. અરજદારે તાલુકા પંચાયત તેમજ સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સ્થળ તપાસ કરીને ટેન્ડર મુજબ કામ થયું છે કે નહીં તેની ચકાસણી કરવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
