શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમે પાટણના પરિવારને આપ્યું નવજીવન
![]()
![]()
![]()
![]()
RBSKનું જીવનદાન: પાટણના દીકરાનું કિડની ટ્રાન્સપ્લાન્ટ સંપૂર્ણ નિઃશુલ્ક
ઘર વેચવાનો વારો આવ્યો હોત… પરંતુ RBSK બની દેવદૂત: માતા ભાવિષાબેન
RBSK યોજના ગંભીર બીમારી ધરાવતા બાળકો માટે સંજીવની બની છે: વિષ્ણુભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી
પાટણમાં શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ એક બાળકનું જીવન બદલાઈ ગયું છે. ગંભીર કીડનીની બીમારીથી પીડાતા એક વિધાર્થીને RBSK યોજના અંતર્ગત સરકારએ માત્ર મોંઘી સારવાર જ નહિ, પરંતુ નવજીવન આપ્યું છે.
પાટણની એક શાળામાં થયેલી રૂટીન આરોગ્ય ચકાસણી… પરંતુ એ ચકાસણી એક બાળકના જીવનમાં મોટો ફેરફાર લાવી ગઈ. RBSK ટીમે વિધાર્થીની કીડનીમાં ગંભીર બીમારીના લક્ષણો ઓળખ્યા અને તરત જ આગળની સારવાર માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી.
ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિઝ એન્ડ રિસર્ચ સેન્ટર—IKDRC, અમદાવાદમાં બાળકનું સંપૂર્ણ નિદાન થયું. અને ત્યાં તા. 22 ઑગસ્ટ 2024ના રોજ દાતા દ્વારા મળેલી કીડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું.
ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ આશરે ૫૦ લાખ રૂપિયા જેટલો થાય, પરંતુ RBSK યોજના હેઠળ આ પ્રક્રિયા સંપૂર્ણ પણે નિઃશુલ્ક કરવામાં આવી.
કીડની ટ્રાન્સપ્લાન્ટ પછી દર મહિને અપાતું IVIG ઇન્જેક્શન… પ્રતિ મહિને દોઢ લાખ જેટલો ખર્ચ. કુલ છ મહિના માટે સરકાર લગભગ ૧૦ લાખ રૂપિયાનો ખર્ચ પણ ઉપાડી રહી છે. તો RBSK ટીમ નિયમિત ગૃહ મુલાકાત લઈને પરિવારને સતત માર્ગદર્શન આપતી રહી છે.
ભાવિષાબેન નિલેશભાઈ સ્વામી, માતા
“સરકારે અમારા દીકરાને સાચા અર્થમાં નવજીવન આપ્યું છે. આટલો ખર્ચ અમે જીવનમાં ન ઉઠાવી શકત. કદાચ અમારે ઘર પણ વેચવું પડે… પરંતુ RBSKના કારણે આજે મારો દીકરો ફરી સ્વસ્થ જીવન જીવી રહ્યો છે.”
હવે બાળક સ્વસ્થતા તરફ પાછો ફરી રહ્યો છે. પરિવારના ચહેરા પરનો તાણ… હવે આશામાં બદલાઈ ગયો છે.
વિષ્ણુભાઈ પટેલ (જિલ્લા આરોગ્ય અધિકારી)
“RBSK યોજના ગંભીર બીમારી ધરાવતા બાળકો માટે સંજીવની બની છે. ટ્રાન્સપ્લાન્ટ હોય કે મોંઘી સારવાર, રાજ્ય સરકાર આર્થિક ભાર વગર સંપૂર્ણ સહાય આપે છે. આ યોજના અનેક પરિવારો માટે આશીર્વાદ બની છે.”
એક નાનકડા બાળકની સમયસરની તપાસ, સચોટ નિદાન અને સરકારની માનવતાભરી યોજનાના કારણે આજે એક પરિવારના જીવનમાં પ્રકાશ ફરી વળ્યો છે.
પાટણ જિલ્લાની આ ઘટના RBSKની સફળતા અને સંવેદનશીલતાનું જીવંત ઉદાહરણ બની છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

