અરવલ્લી જિલ્લા ખાતે વિવિધ સરકારી વિભાગોમાં લાંબા સમયથી ચાલતી ગેરવહીવટ, નિયમોના ભંગ અને ભ્રષ્ટાચાર અંગે ગંભીર આક્ષેપો સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજૂઆતમાં જણાવ્યા મુજબ, આ ગેરરીતિઓના કારણે સામાન્ય જનતા તેમજ સરકારી તિજોરીને મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે.
રજુઆતમાં સૌથી પહેલા ખેડૂતોને અસર કરતી કિસાન ક્રેડિટ કાર્ડ (KCC) લોન મર્યાદાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સરકાર દ્વારા લોન મર્યાદા રૂ. 3 લાખથી વધારી રૂ. 5 લાખ કરવાની જાહેરાત થયા બાદ પણ રાજ્ય સ્તરે નોટિફિકેશન બહાર ન પડતા બેંકો ખેડૂતોને વધારેલી લિમિટ આપતી નથી, જેના કારણે ખેડૂતો ખાનગી વ્યાજખોરો પાસે ઊંચા વ્યાજે નાણાં લેવા મજબૂર બન્યા છે.
અરવલ્લી જિલ્લામાં ARTO ની કાયમી નિમણૂંક ન હોવાના કારણે જનતાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં સાબરકાંઠાના ARTO ને ચાર્જ આપવામાં આવેલ હોવાથી વાહન ફિટનેસ સહિતની કામગીરી માટે લોકોને હિંમતનગર જવું પડે છે. જિલ્લામાં જ પૂર્ણ સુવિધા શરૂ કરવાની માંગ ઉઠી છે.
સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયામાં પણ ગંભીર ગેરરીતિઓના આક્ષેપો થયા છે. ઇલેક્ટ્રિસિટી એક્ટ તથા GERC ના નિયમોનું પાલન કર્યા વિના લોકોની જાણ કે સંમતિ વગર મીટર બદલવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો છે. પરિણામે વીજ બિલમાં અસામાન્ય વધારો અને વીજ પુરવઠામાં અચાનક કાપ જોવા મળી રહ્યો છે.
મોડાસા RTO કચેરીમાં ઓવરલોડ વાહનો સામે કાર્યવાહી ન થતી હોવાનો આક્ષેપ પણ રજૂઆતમાં કરવામાં આવ્યો છે. ચેકપોઇન્ટ પર પૂરું સમય ફરજ ન બજાવાતા હપ્તાખોરી ફૂલીફાલી રહી છે અને તેના કારણે સરકારને દર મહિને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવાયું છે.
ખનિજ વિભાગમાં પણ મોટા પાયે ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ છે. મંજૂર માત્રા કરતાં અનેકગણી ખોદકામ, રોયલ્ટી પાસ વગર ખનિજ પરિવહન અને પર્યાવરણ મંજૂરી વિના ક્વોરીઓ ચલાવાતી હોવાની ફરિયાદો સાથે છેલ્લા એક વર્ષના તમામ પરમિટની વિજિલન્સ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.
જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં ગ્રાન્ટ ફંડના ઉપયોગમાં ગેરરીતિઓ થતી હોવાની પણ રજૂઆતમાં નોંધ કરવામાં આવી છે. અગાઉ લાખો રૂપિયાની ઉઘરાણી અંગે ફરિયાદો થઈ ચૂકી હોવા છતાં હજુ સુધી અસરકારક કાર્યવાહી ન થવાનો આક્ષેપ છે.
નલ સે જલ યોજના અંગે પણ ચોંકાવનારા આક્ષેપો કરવામાં આવ્યા છે. વિધાનસભામાં જિલ્લાનાં તમામ ગામોમાં પાણી પહોંચ્યું હોવાનું દર્શાવાયું છે, પરંતુ વાસ્તવમાં અનેક ગામોમાં આજે પણ નળમાંથી પાણી આવતું નથી. ફક્ત નળ ઉભા કરી ફોટા લઈ બિલો પાસ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ સાથે સમગ્ર યોજનાની તકનીકી અને નાણાકીય તપાસની માંગ કરવામાં આવી છે.
આ ઉપરાંત જિલ્લામાં અનેક વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં સબસિડી લોન અરજીઓમાં ભારે વિલંબ અને કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાનની સહાય હજુ સુધી ખેડૂતોને ન મળવાની બાબતો પણ રજૂઆતમાં ઉલ્લેખિત કરવામાં આવી છે.
રજુઆતના અંતે માંગ કરવામાં આવી છે કે ઉપરોક્ત તમામ મુદ્દાઓ જનહિત સાથે સીધા સંકળાયેલા હોવાથી મુખ્યમંત્રી કક્ષાએથી સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ કરાવી જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.
The Gujarat Live News અહેવાલ નિલેશભાઈ શર્મા સાબરકાંઠા
